બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ ઝોમેટો ડિલિવરી બોય પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા આ મામલે તપાસ કરીને ઝડપથી સત્ય સામે લાવવા માટે કંપનીને રિક્વેસ્ટ કરી છે. તેમણે ઝોમેટોને કહ્યું કે, આ મામલે સંપૂર્ણ ઘટનાનું વિવરણ સામે મૂકે જેથી સત્ય સામે આવી શકે. 


બેંગલોરની એક મેકઅપ આર્ટિસ્ટ મહિલાએ ઝોમેટો ડિલિવરી બોય પર મુક્કો માર્યોનો આરોપ લગાવ્યો છે. આ ફરિયાદ બાદ ઝોમેટોએ ડિલિવરી બોયને સસ્પેન્ડ કર્યો છે અને કંપની મહિલાના ઇલાજનો ખર્ચ ઉઠાવી રહી છે. 


પરિણીતીએ  ટવિટ કરતા લખ્યું છે,  'સત્યની તપાસ કરો અને તેને જાહેર કરો. જો તે વ્યક્તિ નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા અપાવવામાં અમારી મદદ કરો. આ અમાનવીય, શરમજનક તથા દિલ તોડનારું છે. પ્લીઝ મને કહો કે હું તમારી કેવી રીતે મદદ કરી શકું.'બીજી તરફ ડિલિવરી બોય પોતાની જાતને નિર્દોષ ગણાવી રહ્યો છે અને તેને ફસાવવામાં આવ્યો હોય તેવો દાવો પણ થઇ રહ્યો છે. આ મામલે પરિણીતીએ કહ્યું કે, ડિલિવરી બોય નિર્દોષ હોય તો બહુ ઝડપથી આ સત્ય પુરવાર થવું જોઇએ. 




શું છે સમગ્ર ઘટના 
બેંગલુરુ પોલીસે બુધવાર, 10 માર્ચના રોજ આરોપી કામરાજની ધરપકડ કરી હતી. આ મામલે કામરાજે કહ્યું હતું, 'ટ્રાફિકને કારણે ડિલિવરીમાં મોડું થતાં મહિલા નારાજ થઇ હતી અને ઝઘડો કર્યો હતો. યુવતીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. તો મેં ભોજન પરત માગ્યું હતું. જોકે, તેણે ભોજન પરત આપ્યું નહીં. આ દરમિયાન તેણે મને ચંપલથી મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હું મારી જાતને બચાવી રહ્યો હતો, ત્યારે યુવતીનો હાથ જાતે જ તેના મોં પર વાગ્યો હતો અને તેની હાથની રિંગ તેને નાક પર વાગી હતી.' આ સમગ્ર ઘટનામાં ડિલિવર બોય નિર્દાષ હોય તેવું પ્રાથમિક દષ્ટીએ જણાય રહ્યું છે,. જેના પગલે એક્ટ્રેસ પરિણીતી ચોપડા પણ ડિલિવરી બોયના સપોર્ટમાં આગળ આવી છે.