નવી દિલ્હીઃ વર્ષ 2018માં વેલેન્ટાઈન ડેના સ્પેશિયલ દિવસે રાતો રાત ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર. સ્કૂલ રોમાન્સવાળો વીડિયોની કેટલીક ક્લિપ્સે થોડા જ કલાકમાં પ્રિયાને ફેમસ બનાવી દીધી હતી. જોકે હવે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે પ્રિયાને લોકો ટ્રોલ કરી રહ્યા છે.



પ્રિયા પ્રકાશ એક પરફ્યૂમ બ્રાન્ડનું પ્રમોશન કરી રહી છે. તેના શૂટના ફોટા પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતા પ્રિયાએ બ્રાન્ડની પીઆર ટીમ દ્વારા આપવામાં આવેલ જૈનરિક કેપ્શનને કોપી પેસ્ટ કરી દીધું. કેપ્શનમાં લખ્યું હતું- “Text content for Instagram and Facebook”. પ્રિયાએ કેપ્શનમાં કોઇ એડિટિંગ પણ કર્યું નહોતું. પ્રિયાની આ કોપી પેસ્ટની ભૂલ ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ હતી.


ટ્રોલિંગ બાદ પ્રિયાને પોતાની ભૂલ સમજાઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં ખુબજ મોડું થઇ ગયું હતું. ત્યારબાદ તેને પોતાની પોસ્ટને તાત્કાલિક ડિલીટ કરી અને એડિટ કેપ્શનની સાથે ફોટોશૂટની એક તસવીર શેર કરી હતી. પ્રિયા પ્રકાશ પહેલા આ ભૂલ દિશા પટણી પણ કરી ચૂકી છે, ત્યારે ટ્રોલર્સે દિશાને પણ છોડી નહોતી.