Priyanka Chopra On Turkey-Syria Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે પૂરા વિશ્વના હચમચાવી દીધું. બંને દેશોમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. બીજી તરફ ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ તુર્કી અને સીરિયાના લોકો સાથે બનેલી આ કુદરતી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.


પ્રિયંકાએ બચાવ કામગીરીનો વીડિયો શેર કર્યો છે


પ્રિયંકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તુર્કી અને સીરિયાના બચાવ અભિયાનનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રેસ્ક્યુ ટીમ કાટમાળમાંથી નાના બાળકને બહાર કાઢતી જોવા મળી રહી છે. આ દ્રશ્ય ખરેખર હ્રદયસ્પર્શી છે. સાથે જ પ્રિયંકા ચોપરાએ આ વીડિયો સાથે એક નોટ પણ લખી છે. પ્રિયંકાએ પોતાની નોટમાં લખ્યું છે કે, "એક અઠવાડિયા પછી વિનાશક ભૂકંપ પછી તુર્કી અને સીરિયાના લોકો માટે દર્દ અને વેદના યથાવત છે."






પ્રિયંકાએ તુર્કી-સીરિયાના લોકો માટે મદદ માંગી હતી


પ્રિયંકાએ આગળ લખ્યું, “બચાવ ઓપરેશન અવિરતપણે ચાલુ છે, જેના કારણે કેટલીક આશાજનક ક્ષણો દેખાઈ રહી છે.  જ્યાં 3 મહિનાના બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યું, ત્યાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે, રાહ જોઈ રહેલા લોકો હજી પણ જીવિત છે અને બચવાની આશામાં છે, તેમના પરિવારો ચમત્કાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે હૃદયદ્રાવક છે." પ્રિયંકાએ આગળ લખ્યું, "કુદરતનો પ્રકોપ કોઈને બક્ષતો નથી પરંતુ આપણે બધા મદદ કરી શકીએ છીએ. પાયાના સ્તરે કામ કરતી સંસ્થાઓની વિગતો મારા હાઇલાઇટ્સમાં છે. મને આશા છે કે તમે તેઓને મદદ કરશો.


6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો


તમને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયાના દેશો તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ છે. આ બંને દેશોમાં અત્યાર સુધીમાં 36 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 80 હજારની નજીક પહોંચી ગઈ છે. કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે.