Rajinikanth On Ram Mandir: સોમવારે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થયું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે, તમામ ક્ષેત્રના દિગ્ગજો અયોધ્યા પહોંચ્યા અને કાર્યક્રમમાં ભાગ લીધો. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બૉલીવૂડથી લઈને ટૉલીવુડ સુધીના ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણના દિગ્ગજ અભિનેતા રજનીકાંત પણ હાજર રહ્યા હતા. તેઓ મંગળવારે ચેન્નાઈ પરત ફર્યા અને એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન થલાઈવાએ આ ઘટનાને રાજકીય નહીં પણ 'આધ્યાત્મિક' ગણાવી હતી.


હું પહેલા 150 લોકોમાં હતો જેને રામલલ્લાના દર્શન કર્યા 
રજનીકાંત જેઓ તેમના પરિવાર સાથે ચેન્નાઈ પરત ફર્યા હતા, તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેઓ રામલલ્લાની પ્રતિમાના ઐતિહાસિક અનાવરણના સાક્ષી એવા પ્રથમ 150 લોકોમાંના એક હતા. તેણે તામિલમાં કહ્યું, "મેં ખૂબ જ સારા દર્શન કર્યા. રામ મંદિર ખુલ્યા પછી, હું (રામ લલ્લાની મૂર્તિ) જોનારા પ્રથમ 150 લોકોમાંનો એક હતો અને તેનાથી મને ખૂબ આનંદ થયો... મારા માટે તે આધ્યાત્મિકતા છે અને રાજકારણ નથી. દરેકના અલગ-અલગ અભિપ્રાય હોઈ શકે છે, અને તે દરેક વખતે મેળ ખાતું નથી."




દર વર્ષે અયોધ્યા આવશે રજનીકાંત 
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રજનીકાંત કાર્યક્રમ દરમિયાન યોગ્ય રીતે સીટ ના ફાળવવાને કારણે પરેશાન જોવા મળ્યા હતા. જ્યારે રજનીકાંતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો, "એવું કંઈ નથી." આ પહેલા રજનીકાંતે અયોધ્યામાં પત્રકારોને કહ્યું હતું કે, આ એક ઐતિહાસિક ઘટના હતી અને હું ઘણો ભાગ્યશાળી છું. હું દર વર્ષે અયોધ્યા ચોક્કસ આવીશ.


22 જાન્યુઆરીએ થયો હતો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 
સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિધિ બાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રામલલ્લાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રજનીકાંત ઉપરાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા નામ રામ મંદિરના અભિષેક માટે અયોધ્યા પહોંચ્યા હતા. જેમાં ચિરંજીવી તેમના પુત્ર અને અભિનેતા રામ ચરણ સાથે પહોંચ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કાંટારા ફેમ અભિનેતા અને નિર્દેશક ઋષભ શેટ્ટી પણ પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા.