નવી દિલ્હીઃ અભિનેત્રી રિચા ચડ્ઢા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે આ પ્લેટફોર્મ દ્વારા પોલિટિકલી પણ ખૂબ જ એક્ટિવ છે. તે મોટેભાગે મોદી સરકારની ખોટી નીતિઓની ટીકા કરતી રહે છે. હાલમાં જ રિચાએ પ્રતિષ્ઠિત પત્રિકા ટાઈમની કવર સ્ટોરી પણ શેર કરી છે. આ સ્ટોરી પીએમ મોદી વિશે છે. ટાઈમ મેગેઝીને પોતાની સ્ટોરીના ટાઈલમાં મોદીને ડિવાઈડર ઇન ચીફ ગણાવ્યા છે. આ સ્ટોરીના કેપ્શનમાં લખ્યું છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત શું મોદી સરકારના વધુ પાંચ વર્ષ સહન કરી શકશે?


ટાઈમ મેગેઝીનની આ સ્ટોરીની પ્રશંસા કરતાં રિચા ચઢ્ઢાએ પીએમ મોદી તથા ભારતીય મીડિયાને લઈને કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તમે દેશ બહારના પ્રેસ તથા મીડિયાને ખરીદવાની તાકત નથી રાખતા ત્યારે આમ જ થાય છે. રિચા ચઢ્ઢાની આ ટ્વીટને ડિરેક્ટર અનુરાગ કશ્યપે રી-ટ્વીટ પણ કર્યું છે.


ટાઈમ મેગેઝીનમાં આ કવર સ્ટોરી આતિશ તાસીરે કરી છે. 1980માં બ્રિટનમાં જન્મેલા આતિશ ભારતીય પત્રકાર તવલીન સિંહ તથા પાકિસ્તાની રાજનેતા તથા બિઝનેસમેન સલમાન તાસીરનો પુત્ર છે. આતિશની પહેલી બુક 'સ્ટ્રેન્જર ટૂ હિસ્ટ્રી' 14થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે. 2011માં આતિશના પિતાની હત્યા થતાં તેમણે પાકિસ્તાનની પરિસ્થિતિ પર એક આર્ટિકલ લખ્યો હતો.