Salman Khan student protest reaction: દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન મામલે હવે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક લાંબી પોસ્ટ શેર કરીને સલમાન ખાને સ્પષ્ટ શબ્દોમાં વિદ્યાર્થીઓ અને તેમની ચળવળને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જોકે, તેમણે એ વાતનું ભારે દુઃખ વ્યક્ત કર્યું છે કે જે વિરોધ શાંતિપૂર્ણ રીતે શરૂ થયો હતો, તેણે અચાનક હિંસક રૂપ ધારણ કરી લીધું છે. આ સાથે જ સલમાને સારી શિક્ષણ વ્યવસ્થા માટે એકઠા થયેલા યુવાનોના જુસ્સાના ભરપૂર વખાણ કર્યા છે અને સરકાર પાસે સકારાત્મક નિર્ણયની અપેક્ષા રાખી છે.

Continues below advertisement

સલમાન ખાને પોતાની પોસ્ટમાં શું લખ્યું?

વિદ્યાર્થી આંદોલન અંગે સંવેદના વ્યક્ત કરતા સલમાન ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "આ એક ખૂબ જ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હતું. તેને હિંસક વળાંક લેતા જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે. હિંસામાં ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પ્રત્યે મારું હૃદય અત્યંત દુઃખી છે. પેપર લીક થવું એ ખરેખર એક બહુ જ ગંભીર મુદ્દો છે. પરંતુ મને એ વાતની ખુશી છે કે આપણા દેશના બાળકો એક સારી શૈક્ષણિક વ્યવસ્થા માટે એકઠા થયા છે, અને તેમના માતાપિતા પણ પૂરા ટેકા સાથે તેમની પડખે ઊભા રહ્યા છે."

Continues below advertisement

"વિદ્યાર્થીઓની હિંમત અને જુસ્સાની પ્રશંસા કરું છું"

વિદ્યાર્થીઓના વલણના વખાણ કરતા ભાઈજાને આગળ લખ્યું, "હું ખરેખર તેમના આ પગલાની અને વલણની પ્રશંસા કરું છું. પ્રામાણિકતા, સમર્પણ અને સખત મહેનત દ્વારા, આ યુવાનોએ પોતાના ભવિષ્યને ઘડવા અને એક મહાન તથા વધુ શિક્ષિત ભારતનું નિર્માણ કરવાનો જે જુસ્સો બતાવ્યો છે, તે કાબિલેદાદ છે. આ ચળવળ અને વિરોધ એ યોગ્ય અભિગમ છે. વિદ્યાર્થીઓએ શરૂઆતમાં તે એકદમ યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે જ કર્યું. તેઓ ખરેખર ખૂબ જ હિંમતવાન અને બહાદુર છે. શિક્ષણથી પ્રેરિત આ નવી પેઢી ચોક્કસપણે ભારતને ગૌરવ અપાવશે."

"આ મુદ્દાને રાજકીય રીતે હાઇજેક ન કરવો જોઈએ"

પોતાની પોસ્ટના અંતમાં એક બહુ મોટો સંદેશ આપતા સલમાને સ્પષ્ટ કર્યું કે, "આ આખો મુદ્દો માત્ર વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વ્યવસ્થા વચ્ચેનો છે, આથી કોઈપણ પક્ષે તેને રાજકીય રીતે હાઇજેક ન કરવો જોઈએ. આ ચળવળનો પૂરેપૂરો શ્રેય ફક્ત અને ફક્ત આપણા દેશના વિદ્યાર્થીઓને જ મળવો જોઈએ. મને ખાતરી છે કે સરકાર પણ તેમને પૂરતો ટેકો આપશે અને એક મજબૂત શૈક્ષણિક વ્યવસ્થાનું નિર્માણ કરશે. આ એક જીત-જીત (Win-Win) ની પરિસ્થિતિ છે. હું આશા રાખું છું અને સકારાત્મક નિર્ણય માટે પ્રાર્થના કરું છું. જે લોકો શિક્ષિત થવા માંગે છે, ભગવાન તે સૌને આશીર્વાદ આપે."

પોતાની સ્ટાઈલમાં એક શાનદાર વાત કહેતા સલમાને પોસ્ટ પૂરી કરી કે, "શિક્ષણ એ આપણો આગામી ટ્રેન્ડ અને ફેશન હોવી જોઈએ, જે વર્ષ-દર-વર્ષે વધુને વધુ ટ્રેન્ડી બનવી જોઈએ. જેથી ભવિષ્યમાં દુનિયાભરના લોકો ભારતમાં અભ્યાસ કરવા આવે અને આપણું ભારત એક ગ્લોબલ એજ્યુકેશન હબ (શૈક્ષણિક કેન્દ્ર) બની રહે."