મુંબઈ: બોલિવુડમાં ગયા વર્ષે ઘણાં કપલ્સના લગ્ન થયા પરંતુ દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહ વચ્ચે જેવો પ્રેમ જોવા મળે છે તેવો ભાગ્યે જ કોઈ કપલ વચ્ચે જોવા મળે છે. બંનેનું જાહેરમાં વર્તન જ જણાવે છે કે, દીપિકા અને રણવીર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તાજેતરમાં જ આનંદ આહુજા સોનમના શૂઝની દોરી બાંધી આપતો હોય તેવો ફોટો વાયરલ થયો હતો. રણવીરે પણ તેની પત્ની દીપિકા માટે કંઈક આવું જ કર્યું છે.

દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહ તાજેતરમાં મુંબઈમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. આ સેલિબ્રેશનના ઘણાં વીડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. પરંતુ તેમાંથી એક ફોટોએ લોકોનું ખાસ ધ્યાન ખેચ્યું છે.

દીપિકા સફેદ ફ્લોરલ સાડીમાં આગળ ચાલતી જોવા મળે છે અને પ્રેમાળ તથા કેરિંગ પતિ રણવીર પાછળ ચાલી રહ્યો છે. તેણે હાથમાં દીપિકાના સેન્ડલ પકડ્યા છે.

ફોટોઝ પરથી લાગે છે કે, મંડપ નજીક કોઈ દેવતાની મૂર્તિ હતી અને એટલે જ દીપિકાએ પોતાના સેન્ડલ કાઢી નાંખ્યા હતા. તેણે સાડી પહેરી હતી એટલે તેના માટે હાથમાં સેન્ડલ લઈને ક્રાઉડમાં ચાલવું મુશ્કેલ હતું એટલે રણવીરે તેના સેન્ડલ પકડીને મદદ કરી હતી.