મુંબઈઃ ગાયક સોના મહાપાત્રાને સલમાન ખાનના ફેન દ્વારા મારી નાખવાની ધમકી મળી છે. ગાયકે આ ધમકીભર્યા મેલનો સ્ક્રીનશોટ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. મહાપાત્રાએ પોતાના ટ્વીટમાં રાષ્ટ્રીય મહિલા પંચને ટેગ કરતાં તેમને પણ આ અંગે જાણકારી આપી છે.


સોના મહાપાત્રાએ ટ્વીટર પર ટ્રોલરની ધમકીનો સ્ક્રીનશોટ શેર કર્યો જેમાં અભદ્ર ભાષા સાથે મારી નાખવાની ચીમકી આપવામાં આવી. સોનાએ લખ્યું કે, ‘મને દરરોજ ખરાબ વર્તન કરનાર ‘હીરો’ના ફોલોવર્સ તરફથી એવા ઇ-મેઇલ આવે છે. જે એવા ઝેરીલા વર્તનને પ્રોત્સાહિત કરે છે. તેઓ ‘ભારત’ નામના ટાઇટલનો દાવો કરે છે.’



ફિલ્મ ‘ભારત’ને લઈ એક્ટર સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે વિવાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ ‘ભારત’ છોડવા માટે સલમાન ખાન વારંવાર પ્રિયંકા ચોપરા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યો છે. આ વાત પર સોના મહાપાત્રા સલમાન ખાન પર ભડકી અને ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ સલમાન ખાનના ફેન્સ સોનાને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન એક યૂઝર્સે સોના મહાપાત્રા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.