આવકવેરા વિભાગે અભિનેતા સોનૂ સૂદના ઘર અને ઓફિસો પર આજે બીજા દિવસે સર્વે ચાલુ રાખ્યો છે. ગઈકાલે, 12 કલાકથી વધુ સમય સુધી સોનૂ સૂદના 6 સ્થળોએ સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધી IT વિભાગે આ સર્વેમાં શું પ્રાપ્ત કર્યું છે તેની માહિતી શેર કરી નથી.
ગઈકાલે સોનૂની જુહુ ઓફિસ, લોખંડવાલા ઘર સહિત 6 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો હતો. આઇટી અધિકારીઓની ટીમોએ ગઇકાલ સવારથી કામગીરી શરૂ કરી દીધી હતી, જોકે કાર્યવાહી પાછળના કારણો તાત્કાલિક જાણી શકાયા નથી.
નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ રોગચાળા દરમિયાન, સોનૂ સૂદે લોકોને ભારે મદદ કરીને મીડિયા અને સામાન્ય લોકો તરફથી ઘણી પ્રશંસા મેળવી છે. કોરોના રોગચાળા દરમિયાન સોનૂ સૂદે મોટી સંખ્યામાં પરપ્રાંતિય મજૂરોને આર્થિક રીતે ઘરે પરત ફરવામાં મદદ કરી હતી. તેમણે આવા મજૂરોની મુસાફરીની સુવિધા માટે ભોજન, વાહનો વગેરેની પણ વ્યવસ્થા કરી હતી.
સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. જોકે, તેમણે આવકવેરા વિભાગના આ સર્વેનો કોઈ જવાબ આપ્યો નથી.
આ કરવેરા સર્વે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી દિલ્હી સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓના માર્ગદર્શન કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સોનૂ સૂદની નિમણૂક થયાના થોડા દિવસો બાદ આવ્યો છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ વિજય હંમેશા સત્ય સાથે જ આવે છે. સોનૂ સૂદ જી સાથે ભારતના લાખો પરિવારોની પ્રાર્થના છે જેમને મુશ્કેલ સમયમાં સોનૂ જીનો સહયોગ મળ્યો.