ચેન્નાઈઃ સાઉથની ફિલ્મોનાં સુપરસ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખરે પોતાની ફિલ્મના સ્ટાફનાં 400 લોકોને સોનાની વીંટી ભેટમાં આપીને હલચલ મચાવી દીધી છે. વિજયે પોતાની આગામી ફિલ્મ બિગિલના પ્રોડક્શન સાથે સંકળાયેલા તમામ 400 સભ્યોને સોનાની વીંટી ગિફ્ટમાં આપી છે.

આ ભેટ મેળવનારા બધા લોકોએ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં વિજયની આ ઉદારતાની સૌને જાણ થઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિજય એક પછી એક તમામ સભ્યોને વીંટી પહેરાવી રહ્યો છે. જે શખ્સ આ વીડિયો ઉતારી રહ્યો છે એ પણ પોતાનાં હાથમાં પહેરેલી સોનાની વીંટી બતાવે છે.


વિજયે પહેરાવેલી આ વીંટી પર ફિલ્મનું નામ BIGIL લખેલું છે. વિજયે ફિલ્મની પૂરી ટીમનો આભાર માનવા માટે આ ખાસ ગિફ્ટ આપી છે. 13 ઓગસ્ટે ફિલ્મનું શુટિંગ પુરુ થયું ત્યારે વિજયે આ રીતે બધાને સોનાની વીંટી ગિફ્ટ આપીને બહુ મોટું સરપ્રાઈઝ આપી દીધું હતું.