મુંબઈઃ અબજો રૂપિયાના કૌભાંડમાં જેલની હવા ખાઈ રહેલા સુકેશ ચંદ્રશેખરનાં એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યાં છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની લીના માયરા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં 7 હજાર પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.
આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશ ચંદ્રશેખરે પૂછપરછ દરમિયાન ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથેના સંબધો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે જેકલીન સુકેશ સાથે ચેન્નાઈની ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી અને બંનેએ ખૂબ જલસા કર્યા હતા.
ચાર્જશીટમાં કરાયેલા દાવા પ્રમાણે, સુકેશ જેલમાં હતો ત્યારે પણ જેકલીન સાથે મોબાઇલ પર વાત કરતો હતો. સુકેશ જામીન પર છૂટીને બહાર આવ્યો ત્યારે તેણે દિલ્હીથી ચેન્નઈ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરી હતી. સુકેશે જેક્લીન માટે મુંબઈથી દિલ્હી સુધીની ચાર્ટર્ડ ફ્લાઇટ પણ બુક કરી હતી. સુકેશ તથા જેકલીન બંને ચેન્નઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
આ ચાર્જશીટમાં દાવો કરાયો છે કે, સુકેશે જેકલીનને કરોડો રૂપિયાની ગિફ્ટ આપી છે. ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, 9 લાખ રૂપિયાની એક એવી ચાર પર્શિયન બિલાડી તથા 52 લાખનો ઘોડો આપ્યો હતો. સુકેશે જેકલીન ફર્નાન્ડિઝના ભાઈ-બહેનને પણ પૈસા આપ્યા હતા. આ કેસમાં જેકલીનના નિકટના સાથીઓ તથા સ્ટાફની પૂછપરછ કરી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચેન્નાઈમાં કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટા પ્રમાણમાં રોકડ રકમ તથા 15 લક્ઝૂરિયસ કાર મળી આવી હતી. આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે (ઇકોનોમિક્સ અફેન્સ વિંગની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.