સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાંતને હૈદ્રાબાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુપરસ્ટારને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા હતી જેના કારણે તેમની અહીં સારવાર ચાલી રહી છે.

હાલમાં જ રજનીકાંતની ફિલ્મ અન્નાથેનું શૂટિંગ રોકવામાં આવ્યું હતું કારણ કે આ ફિલ્મના ક્રૂના 8 સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યાર બાદ રજનીકાંતે ખુદને કોરેન્ટાઈન કરી લીધા હતા.

કોરોનાને કારણે અન્નાથેનું શૂટિંગ લગભગ 9 મહિના માટે રોકવામાં આવ્યું હતું. શૂટિંગ ફરીથી હૈદ્રાબાદના રામોજી ફિલ્મ સિટીમાં 14 ડિસેમ્બરે શરૂ થવાનું હતું. આ ફિલ્મનું ડાયરેક્શન સિરૂથઈ સિવા કરી રહ્યા છે. આ ફિલ્મમાં નયનતારા અને કીર્તિ સુરેશ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.



અપોલો હોસ્પિટલે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, રજનીકાંત છેલ્લા 10 દિવસથી જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તેના સેટ પર કેટલાક લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ 22 તારીખે રજનીકાંતને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ નેગેટિવ આવ્યા હતા. ત્યારથી તેઓએ ખુદને કોરેન્ટાઈન કર્યા હતા.