'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લોકપ્રિય કલાકાર પૈકીના એક એટલે ઘનશ્યામ નાયક. તેઓ સીરિયલમાં 'નટુકાકા'નું પાત્ર ભજવે છે. લાંબા સમયથી શોમાંથી ગાયબ 'નટુકાકા' આખરે સેટ પર પરત ફર્યા છે. કોરોના મહામારી અને સર્જરીના કારણે 'તારક મહેતા...'થી લગભગ 9 મહિના દૂર રહ્યા બાદ ઘનશ્યામ નાયક સેટ પર પરત ફર્યા છે.


નટુકાકા ટૂંક સમયમાં તારક મહેતાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે. હકીકતમાં ઘનશ્યામ નાયકની થોડા સમય પહેલાં જ સર્જરી થઈ હતી. જેના કારણે તેઓ રજા પર જતા રહ્યા હતા. હવે આરામ કર્યા બાદ તેઓ એકદમ સારા થઈ ગયા છે. જેથી હવે તેમણે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે.

એક ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ નાયકે કહ્યું- મારી તબિયત એકદમ સારી છે. મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ શરૂ કરી દીધી છે. મેં 16 માર્ચે છેલ્લી વાર સીરિયલ માટે શૂટિંગ કરી હતી અને હવે 9 મહિના બાદ 16 ડિસેમ્બરથી મેં શૂટિંગ શરૂ કરી દીધી છે. એપિસોડ એકાદ-બે દિવસમાં પ્રસારિત કરવામાં આવશે. જ્યારે લૉકડાઉન શરૂ થયું તો, 60 વર્ષથી અધિક વયના કલાકારોને સેટ પર જવાની મંજૂરી મળી નહોતી અને શૂટિંગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પછી મારી એક મોટી સર્જરી થઈ. ઑપરેશન પર સફળ રહ્યું અને હવે મારી તબિયત પણ સારી છે.

શૂટિંગનાં પહેલાં દિવસ અંગે વાત કરતાં નટુકાકાએ કહ્યું હતું, 'અસિત મોદી તથા તેમના ટીમ મેમ્બર્સે મારું ઘણું જ ધ્યાન રાખ્યું હતું. હું તમામનો આભારી છું. મારો પહેલો સીન જેઠાલાલ (દિલીપ જોશી) તથા બાઘા (તન્મય વેકરિયા)ની સાથે હતો. બંનેએ મને સીન કરતાં સમયે કમ્ફર્ટ ફીલ કરાવ્યું હતું. મને સંવાદો બોલવામાં સહેજ પણ તકલીફ પડી નહોતી. નટુકાકા ગડા ઈલેક્ટ્રોનિક્સમાં પરત આવી ગયા છે. આ એપિસોડ આગામી 2-3 દિવસમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.'

જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયકે 16 માર્ચે છેલ્લીવાર શોમાં શૂટિંગ કર્યું હતું. પરંતુ કોરોના વાયરસને કારણે લાગેલા લોકડાઉન પછી અત્યાર સુધી તેઓ શૂટિંગ કરી શક્યા નહોતા અને હવે આ લાંબા સમય બાદ તેઓ ફરી શોમાં વાપસી કરી રહ્યા છે. એવામાં ટૂંક સમયમાં અપકમિંગ એપિસોડ્સમાં નટ્ટૂ કાકા જોવા મળશે.