મુંબઈઃ લોકપ્રિય ટીવી કપલ આમિર અલી તથા સંજીદા શેખના તલાક થઈ ગયાં છે. આમિર અલી તથા સંજીદા શેખે 2012માં લગ્ન કર્યા હતા. નવ વર્ષના લગ્નજીવન બાદ હવે બંનેના ડિવોર્સ થઈ ગયા છે. બંનેએ સત્તાવાર રીતે આ અંગે કોઈ વાત કરી નથી કે કોઈ જાહેરાત કરી નથી પણ સૂત્રોએ દાવો કર્યો છે કે, બંનેનાં નવ મહિના પહેલાં જ તલાક થઈ ગયા હતા. સંજીદા શેખ અમદાવાદના મુસ્લિમ પરિવારની છે પણ તેનો જન્મ કુવૈત સિટીમાં થયો હતો.


સૂત્રોના મતે,  2020થી બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી અને બંને અલગ જ રહેતા હતા. આમિર-સંજીદા સરોગસીની મદદથી દીકરી આયરાનાં માતાપિતા  બન્યા હતા. આ દીકરી બે વર્ષની છે અને સંજીદા શેખ સાથે જ રહેશે.


સંજીદા તથા આમિર 2007માં 'નચ બલિયે 3'માં સાથે જોવા મળ્યા હતા. આ શોમાં તેઓ વિનર રહ્યા હતા. ફાઇનલમાં તેમણે કાશ્મીરા શાહ-કૃષ્ણા અભિષેક, રાખી સાવંત-અભિષેક અવસ્થીને હરાવ્યા હતા.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવ મહિના પહેલાં આમિર તથા સંજીદાએ તલાક લઈ લીધા હતા અને હવે બંને પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. બંને પોતાની પ્રાઈવસી જાળવવા માગે તેથી જ તલાક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવા  માગતાં નથી.


સંજીદા શેખે પોતાના તલાકના અહેવાલ અંગે મીડિયામાં માત્ર એટલું જ કહ્યું હતું કે, તેની દીકરી તેના પર ગર્વ કરે તેમ તે ઈચ્છે છે. આમીર  અલીએ એમ કહ્યું હતું કે.  સંજીદાને જીવનમાં ખુશીઓ મળે તેવી પોતે પ્રાર્થના કરે છે. સંજીદાને બે વર્ષીય દીકરી આયરાની કસ્ટડી મળી છે.


સંજીદા શેખ છેલ્લે હોરર ફિલ્મ 'કાલી ખુહી'માં અને આમિર 2020માં 'બ્લેક વિડોઝ'માં જોવા મળ્યો હતો. સંજીદા તથા આમિર મ્યૂઝિક વીડિયોમાં વધુ જોવા મળે છે. સંજીદાનો પરિવાર મૂળ અમદાવાદનો છે અને એક્ટ્રેસનો જન્મ કુવૈતમાં થયો છે. સંજીદાએ 'ક્યા હોગા નિમ્મો કા'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.