નવી દિલ્હીઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ અને તાજેતરમાં સમાપ્ત થયેલા રિયાલિટી શો બિગ બોસ-13ની સ્પર્ધક રશ્મિ દેસાઈએ એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચને લઈ મોટો ખુલાસો કર્યો છે. રશ્મિએ જણાવ્યું કે, 16 વર્ષની વયે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે.

એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં રશ્મિ દેસાઈએ કહ્યું, જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી ત્યારે યુવા હતી. મારી પાસે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહોતું. હું ઈન્ડસ્ટ્રીમાં કોઈને ઓળખતી નહોતી. વર્ષો પહેલા મેં જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે કહેવામાં આવ્યું કે જો હું કાસ્ટિંગ કાઉચમાંથી પસાર નહીં થાઉ તો મને કામ નહીં મળે.


રશ્મિએ કહ્યું, તે વ્યક્તિનું નામ સૂરજ છે અને આજે તે ક્યાં છે તેની મને ખબર નથી. જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તેણે મારા સ્ટેટિસ્ટિક્સ અંગે પૂછ્યું હતું. મને તે સમયે આ મતલબની ખબર નહોતી. મેં તેને કહ્યું કે, મને આ ખબર નથી ત્યારે આ બધી વાતોથી હું અજાણ હોવાની તેને જાણ થઈ હતી. મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હોય અને મને અલગ રીતે મોલેસ્ટ કરવાની કોશિશ કરનારો તે પહેલો વ્યક્તિ હતો.


રશ્મિએ આગળ કહ્યું, એક દિવસ તેણે મને ઓડિશન માટે ફોન કર્યો અને હું ખૂબ ઉત્સાહિત થઈ ગઈ હતી. હું ત્યાં પહોંચી ગઈ અને જોયું કે ત્યાં મારી સિવાય કોઈ નહોતું. ત્યાં કેમેરો પણ નહોતો અને તેણે મારા ડ્રિંક્સમાં કઈંક મેળવીને મને બેભાન કરવાની પૂરી કોશિશ કરી હતી. હું કહેતી હતી કે મારે નથી કરવું.


દોઢ કલાક બાદ હું ગમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહી અને મારી માતાને આખી વાત જણાવી. બીજા દિવસે ફરી તેને મળવા ગઈ. આ વખતે મારી માતાએ તે વ્યક્તિને લાફો માર્યો હતો. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)