બોલિવૂડને વધુ એક ઝટકો લાગ્યો છે. વિવાહ, ધૂમ-2 જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા કલાકાર યુસુફ હુસૈનનું 73 વર્ષની વયે અવસાન થયું છે. ડાયરેક્ટર હંસલ મેહતાએ સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની જાણ કરી હતી. હંસલ મહેતા તેમના સસરા થાય છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે તેમને કોરોના થયો હતો. યુસુફે વિવાહ, ધૂમ 2, દિલ ચાહતા હૈ, રોડ ટુ સંગમ, ક્રેઝી કુક્કડ ફેમિલી, બ્લુ ઓર્ગન્સ, ખોયા ખોયા ચાંદ, રેડ સ્વાસ્તિક અને એસ્કેપ ફ્રોમ તાલિબાન જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
હંસલે ટ્વીટર નોટમાં લખ્યું, 'મેં શાહિદના 2 શેડ્યુલ પૂરા કરી લીધા હતા અને અમે અટકાયેલા હતા. હું પરેશાનીમાં હતો. ફિલ્મકાર તરીકે મારી કરિયર પૂરી થવાની હતી. ત્યારે જ તેઓ આવ્યા અને બોલ્યા મારા પાસે એક ફિક્સ્ડ ડિપોઝિટ છે. જો તું પરેશાનીમાં હોય તો તે મારા કોઈ કામની નથી. તેમણે એક ચેક સાઈન કરીને મને આપ્યો. આવા હતા યુસુફ હુસૈન. મારા સસરા નહીં પણ મારા પિતા. જો જિંદગીનું કોઈ સ્વરૂપ હોત તો તે કદાચ તેમના રૂપમાં જ હોત.'
વધુમાં લખ્યું કે, 'આજે તેઓ ચાલ્યા ગયા છે જેથી સ્વર્ગમાં તમામ યુવતીઓને વિશ્વની સૌથી ખુબસૂરત યુવતી અને દરેક આદમીને સૌથી હસીન નૌજવાન બતાવી શકે. અને અંતમાં ફક્ત એટલું કહે લવ યુ લવ યુ લવ યુ. યુસુફ સાહેબ હું આ નવા જીવન માટે તમારો ઋણી છું. હું આજે સાચે અનાથ બની ગયો છું. હવે જિંદગી પહેલા જેવી નહીં રહે. હું તમને ખૂબ જ યાદ કરીશ. મારું ઉર્દુ ખરાબ જ રહેશે અને હાં લવ યુ લવ યુ લવ યુ.'