મુંબઈઃ આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  તેમના નિધનના સમાચારથી બોલિવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

તેમણે ‘કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘મેં પલ દો પલ કા શાયર હૂં’ જેવા ગીતોની ધૂન બનાવી હતી. તેમણે ઉમરાવ જાન, બાજાર, નૂરી, ફૂટપાથ, ત્રિશુલ, શોલા ઔર શબનમ, રઝિયા સુલતાન જેવી સુપરહીટ ફિલ્મો માટે સંગીત બનાવ્યું હતું. તેમને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.

ખય્યામ વિશ્વયુદ્ધ સમયે સેનામાં હતા. પણ તેમણે સેના છોડી દીધી હતી અને પોતાના સપના પૂરા કરવાની આશા સાથે મુંબઈ આવ્યા હતા. ખય્યામે 1948માં ફિલ્મ હીર રાંઝામાં શર્માજી તરીકે ફિલ્મોમાં સંગીત આપવાની શરુઆત કરી હતી. તે ફિલ્મમાં સંગીતકારોની જોડી શર્માજી-વર્માજી હતા.


ખય્યામના નિધન પર દિગ્ગજ સિંગર લતા મંગેશ્કરે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે,‘સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામ સાહબના નિધનથી ઘણું દુઃખ થયું છે. શાનદાર સંગીતથી તેમણે અગણિત ગીતોને અમર બનાવ્યા છે. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનું આભારી રહેશે. દુખના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના ફેન્સ સાથે છે.’