Veteran Telugu Actress Jamuna Dies in Hyderabad: તેલુગુ ફિલ્મ ઉદ્યોગના સુવર્ણ યુગની પીઢ અભિનેત્રી જમુના ગરુએ શુક્રવાર 27 જાન્યુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલી આ અભિનેત્રીએ 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ફિલ્મ ઉદ્યોગની તમામ હસ્તીઓએ તેમના પરિવારના સભ્યો પ્રત્યે નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. અભિનેત્રીના પાર્થિવ દેહને જાહેર શ્રદ્ધાંજલિ માટે ફિલ્મ ચેમ્બરમાં લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. આજે સાંજ સુધીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


તેલુગુ અભિનેત્રી જમુનાનું નિધન


જમુનાએ તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દીમાં લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો. અભિનેત્રીને એક પુત્ર અને એક પુત્રી છે. જમુના, જેનું અસલી નામ જાના બાઈ હતું, તેણે 16 વર્ષની ઉંમરે 1953માં ગરિકાપરી રાજારાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પુટિલુ'થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. દક્ષિણ ફિલ્મોના અભિનેતા મહેશા બાબુ અને આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ પણ અભિનેત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.






86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું


અભિનેત્રીએ 11 હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સુનીલ દત્ત અને નૂતન અભિનીત ફિલ્મ 'મિલન' માટે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. 30 ઓગસ્ટ, 1936ના રોજ કર્ણાટકના હમ્પીમાં જન્મેલી જમુનાએ તેનું પ્રાથમિક શિક્ષણ ગુંટુર જિલ્લાના દુગ્ગીરાલા ખાતે મેળવ્યું હતું. તેણી શાળાના દિવસોથી જ સ્ટેજ કલાકાર હતી.


રાજકારણમાં હાથ અજમાવ્યો 


અભિનય ઉપરાંત જમુનાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીથી પ્રભાવિત થઈને તેઓ 1980માં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને 1989માં રાજમુન્દ્રીથી લોકસભામાં ચૂંટાયા હતા, પરંતુ 1991માં તેમની હાર બાદ તેમણે રાજકારણ છોડી દીધું હતું. બાદમાં તે ભાજપમાં જોડાયા હતા અને 1990ના દાયકાના અંતમાં પાર્ટી માટે પ્રચાર કર્યો.