મુંબઇઃ જેએનયુ કેમ્પસમાં જવાના કારણે વિવાદમાં ફસાયેલી બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો અનેક પાર્ટીઓ વિરોધ કરી રહી છે તો ઘણા લોકો તેનું સમર્થન પણ કરી રહ્યા છે. હવે શિવસેના પણ દીપિકા પાદુકોણના સમર્થનમાં સામે આવી છે. પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે રવિવારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું  સમર્થન કર્યું હતું.


શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે, દેશમાં આ પ્રકારની તાલિબાની માનસિકતા ચાલી શકે નહીં. રાઉતે કહ્યું કે આ પ્રકારે દીપિકા પાદુકોણ અને તેની ફિલ્મનો બોયકોટ કરવો ખોટું છે.

નોંધનીય છે કે ગયા મંગળવારે દીપિકા પાદુકોણ જેએનયુમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઇશી ઘોષ સાથે મુલાકાત કરી હતી અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે થોડો સમય પસાર કર્યો હતો. દીપિકાએ જેએનયુમાં કોઇ નિવેદન આપ્યુ નહોતું. પરંતુ ત્યારબાદ ભાજપ સહિત અનેક રાજકીય પાર્ટીઓ અને લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોનું કહેવું હતું કે તે છપાક ફિલ્મનું પ્રમોશન માટે ગઇ હતી. કેટલાક લોકોએ તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની  પણ જાહેરાત કરી દીધી હતી.