ઘણી વાર ડિપ્રેશન અને પરિવારની ચિંતાથી કંટાળીને ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક 18 વર્ષનો યુવક ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન ત્યાં પ્લેટફોર્મ પર હાજર રેલવે પોલીસના એક કોન્સ્ટેબલે પોતાના જીવની પરવા કર્યા વગર એ યુવકને બચાવી લે છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ કોન્સ્ટેબલની પ્રશંસા કરી રહ્યા છે અને તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.






મળતી માહિતી પ્રમાણે આ ઘટના 23 માર્ચના રોજ મહારાષ્ટ્રના થાણેના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન પર બની હતી. સીસીટીવીમાં રેકોર્ડ થયેલી ઘટનામાં જોવા મળી રહ્યું છે કે એક છોકરો પ્લેટફોર્મ પર સ્પીડમાં આવી રહેલી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદી રહ્યો છે. જેને જોઈને ત્યાં ઊભેલા પોલીસ કોન્સ્ટેબલ હૃષિકેશ માને તેને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાટા પર કૂદી પડે છે અને તે યુવકને ધક્કો મારીને પોતાની સાથે પાટાની બીજી બાજુ ફેંગોળી દે છે. જેથી યુવકનો જીવ બચી જાય છે. 






હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જઈ ચુક્યા છે અને હજારો લોકો લાઈક કરી ચુક્યા છે. આ સાથે સોશિયલ મીડિયા યુઝર્સ આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા યુવકને બચાવનાર કોન્સ્ટેબલની સતત પ્રશંસા કરતા જોવા મળે છે.






સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે, 'પોલીસ કોન્સ્ટેબલ રિયલ હીરો છે, તેમને સલામ.' બીજાએ લખ્યું છે કે, પોતાનો જીવ દાવ પર લગાવીને કોઈનો જીવ બચાવવો એ દુનિયાને બચાવવા સમાન છે. અન્ય યુઝર્સ કહે છે કે 'કોઈને બહાર કાઢવા માટે આ રીતે કૂદી પડવા માટે મોટા હૃદયની જરૂર છે.'