રાજ્યના 50 IPS અધિકારીઓની થશે બદલી, જાણો કોનો કોનો છે સમાવેશ
રાજકોટ રેન્જ ડીઆઈજી ડી એન પટેલ, બોર્ડર રેન્જના આઈજી એ કે જાડેજા, જૂનાગઢ રેન્જ આઈજી એસ પાંડ્યા રાજકુમાર, ભાવનગર આઈજીની બદલીઓ થાય તેવો પવન ચાલી રહ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજીની જગ્યા પણ છેલ્લા દસ મહિનાથી ચાર્જમાં ચાલે છે તેથી શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે કે તે પદ પર નવા આઈજી મૂકવામાં આવશે. હોમગાર્ડના ડીજીની છેલ્લા ચાર મહિનાથી ખાલી પડેલી જગ્યા પર હથિયારી એકમોના ડીજી પ્રમોદકુમારને મૂકાય તેવી શક્યતા છે.
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના ડીસીપી દિપેન ભદ્રનને ગાંધીનગરમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. અમદાવાદ ડીસીપી ક્રાઈમમાં જવા માટે અધિકારીઓની મોટી ફોજ લાઈનમાં ઊભી છે પરંતુ ગાંધીનગરમાં જેના ગોડફાધર હશે તે અધિકારીને આ ખુરશી મળશે.
ગાંધીનગરઃ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને વધુ આઇપીએસ અધિકારીઓની બદલીનો દોર શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આગામી સપ્તાહે 50થી લધુ આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, ગોધરા રેન્જના ડીઆઇજી અભયસિંહ ચુડાસમાને સુરત રેન્જમાં મુકવામાં આવે તેવી સંભાવના છે જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી વિશાલ વાઘેલાને અમદાવાદ શહેરમાં લવાય તેવી શક્યતા છે.
તે સિવાય પાટણ, કચ્છ પૂર્વ, નવસારી, બનાસકાંઠાં, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને છોટા ઉદેપુરના ડીએસપીની બદલીઓ થશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરના ડીસીપી રેન્કના અધિકારીઓની પણ બદલીઓ થશે.
ગુજરાતના આઈપીએસ અધિકારીઓ ઘણા લાંબા સમયથી તેમની બદલીઓની રાહ જોઈ રહ્યા છે પણ વિધાનસભાની ચૂંટણીને હવે માંડ થોડા જ મહિનાઓ બાકી રહ્યા છે તેથી ગુજરાત સરકાર આ વખતે બદલીઓનો અંતિમ તબક્કો હાથ પર લેશે. આ તબક્કામાં મોટા ભાગે જિલ્લાના પોલીસ વડા બદલાશે અને ભાજપ સરકાર પોતાના માનીતા પોલીસ અધિકારીઓને કોંગ્રેસના ગઢ તથા ભાજપ સરકાર માટે મુશ્કેલી ઉભી કરનારા પાટીદાર અનામત આંદોલનનો પ્રભાવ જે જિલ્લાઓમાં છે ત્યાં મુકશે.
ગૃહવિભાગના સૂત્રો અનુસાર આશરે 20 જેટલા જિલ્લા પોલીસ વડાઓ (DSP)ની બદલીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ભાવનગરના દિપાંકર ત્રિવેદી, સાબરકાંઠાના પી એલ માલ, અરવલ્લીના એસપી કે એન ડામોર, સુરત ગ્રામ્યના એસપી નિર્લિપ્ત રાય, વડોદરા ગ્રામ્યના એસપી સૌરભ તૌલંબિયા, આણંદના એસપી સૌરભ સીંગ,ગાંધીનગરના એસપી વિરેન્દ્ર યાદવ, સુરેન્દ્રનગરના એસપી દિપક મેઘાણીની બદલી થશે.
સૂત્રોના કહેવા પ્રમાણે, સુરત રેન્જના આઈજી સમશેરસિંહ તેમજ ગૃહસચિવના મનોજ અગ્રવાલને એડીજીમાં બઢતી મળતા પોલીસ ભવનમાં મૂકાશે તેવી અધિકારીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે જ્યારે નવા ગૃહસચિવ તરીકે પોલીસ કોમ્યુનિકેશનના આઈજી નરસિંહા કોમરનું નામ ચર્ચાઇ રહ્યું છે.