મહેસાણા: કાર-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, એક જ પરીવારના 4નાં કમકમાટીભર્યાં મોત
ભત્રીજાની સગાઈ કરવા માટે પરિવારના સભ્યો ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળ્યું હતું. જોકે આ અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો.
મહેસાણાના વિસનગર-વિજાપુર રોડ પર ઉદલપુર ગામના પાટીયા પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતાં. મૂળ બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના એક રાવલ પરિવાર પોતાના ચાર ભાઈ અને ભત્રીજા સાથે વિજાપુરના પાલડીગામે દીકરાના સગપણ માટે ગયા હતા.
જોકે આ સગપણની વિધિ પૂરી કરી પરત પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે ઉદલપુર ગામના પાટીયા પાસે એક બે ફામ કાર ચાલકે આ રિક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં બેઠલ પાંચ વ્યક્તિમાંથી ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતાં. કાર ચાલક અકસ્માત કરી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.