લગ્નની કંકોત્રી વહેંચવા ગાંધીધામ આવેલી મુંબઈની યુવતીનું રહસ્યમય મોત
ભુજઃ મુંબઈથી પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા અને ખરીદી કરવા ગુજરાત આવેલી એક યુવતીનું શંકાસ્પદ રીતે મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સંબંધીને ત્યાં આવેલી ચાંદની શેઠ બીમાર થતાં તેને ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો. જ્યાં સાત દિવસની બીમારી બાદ બુધવારે તેણે દમ તોડી દેતા પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારજનોના મતે ચાંદનીનું શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સાચું કારણ તો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.
આ અંગેની વિગતો એવી છે કે, મુંબઈના મુલુન્ડમાં રહેતી 26 વર્ષની ચાંદની ગત 14મીએ રાપર તેનાં સંબંધીના ઘરે લગ્નની ખરીદી કરવા અને લગ્નની કંકોત્રી વહેંચવા માટે આવી હતી. જોકે, 16મી તારીખે ચાંદનીને તાવ આવતાં રાપરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં તબિયતમાં કોઈ સુધારો ન દેખાતા વધુ સારવાર માટે ગાંધીધામની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બુધવારે તેનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.