કેરળમાં ‘નિપાહ’ વાયરસથી 9નાં મોત, જાણો કેવી રીતે પડ્યું વાયરસનું નામ
કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે 9 લોકોનાં મોત થયા છે. રાજ્યના આરોગ્ય સત્તાધીશોના કહેવા મુજબ આ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા, ડુક્કર અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાય છે. અમુક અહેવાલમાં મોતનો આંકડો 12 હોવાનું કહેવાયું છે.
રાજ્યના હેલ્થ સેક્રેટરી રાજીવ સદાનદાનના કહેવા મુજબ, અમે 9 લોકોના મોતના પુષ્ટિ કરી છે. જેમાંથી 3 લોકોના નિપાહ ટેસ્ટ પોઝિટિવ છે. અમે અન્ય સેમ્પલ પુણેની નેશનલ વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં મોકલી આપ્યા છે.
ભારતમાં આ વાયરસ પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં 2001માં સામે આવ્યો હતો. વાયરસથી પ્રભાવિત લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને બાદમાં મગજમાં બળતરા થાય છે. સમયસર સારવાર ન મળવાથી મોત થાય છે. હજુ સુધી આ વાયરસ સાથે સંકળાયેલી કોઈ રસી શોધાઈ નથી.
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)ની ટીમ કેરળમાં નિપાહ વાયરસની પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે તેમ કહેવમાં આવી રહ્યું છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની કમિટી પણ વાયરસની માહિતી એકત્ર કરી રહ્યું છે.
કેરળ સરકારે આ વાયરસનો મુકાબલો કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. જે બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એનસીડીસીની ટીમને કેરળની મુલાકાત લેવાનો આદેશ આપ્યો છે.
આ વાયરસ 1998માં પ્રથમ વખત મલેશિયાના કાંપુંગ સુંગઈ નિપાહ વિસ્તારમાં સામે આવ્યો છે. જેથી વાયરસને નિપાહ નામ આપવામાં આવ્યું. પહેલાં તેની અસર ભુંડમાં જોવા મળી હતી. 2004માં આ વાયરસ બાંગ્લાદેશમાં ફેલાયો હતો.