ઓનલાઈન ખરીદી કરી એમેઝોનને લગાવ્યો 50 લાખ રૂપિયાનો ચૂનો, કઈ રીતે કરી છેતરપિંડી?
નવી દિલ્હી: ઓનલાઈન ખરીદી આજે ખૂબજ મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે અનેક વખત ગ્રાહકો ખરીદેલી વસ્તુને લઈને છેતરાતા હોય છે. પણ અહીં દિલ્લીમાં રહેતા 21 વર્ષીય શિવમ ચોપરા નામના એક યુવકે ઓનલાઇન સ્ટોર એમેઝોન પરથી 166 મોંઘાદાટ મોબાઇલ ફોન્સ ખરીદ્યાં અને પછી મને મોબાઇલનું ખાલી બોક્સ જ મળ્યું છે તેવી ફરિયાદ કરીને એમેઝોન પાસેથી લાખો રૂપિયાનું રિફંડ મેળવ્યું હતું. પોલીસ ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્લી પોલીસે જણાવ્યું કે, એમેઝોનને ખબર ના પડી ત્યા સુધી શિવમ ચોપરાએ એમેઝોનને છેતરીને આ વર્ષે એપ્રિલ અને મે મહિનામા રૂ. 50 લાખ મેળવ્યા. ઠગાયા હોવાનો ખ્યાલ એમેઝોનને આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
શિવમ જુદાં-જુદાં નામોથી ફોનના ઓર્ડર પ્લેસ કરવા માટે 141થી પણ વધુ સિમ કાર્ડ્સ વાપર્યા હતા. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ત્રિનગરમાં રહેતો શિવમ ચોપરા ઓનલાઇન ફોનનો ઓર્ડર પ્લેસ કરવા માટે આ ફોન નંબર્સનો ઉપયોગ કરતો અને તેની આસપાસની લોકાલિટીમાં કોઇપણ ખોટું સરનામું આપી દેતો હતો.
આ મોબાઈલને બાદમાં ઓનલાઇન માર્કેટપ્લેસ OLX અથવા ગ્રાફર માર્કેટ પર વેચી નાખતો અથવા તો પછી મોબાઇલ ફોન્સ અને અન્ય ઇમ્પોર્ટેડ ગુડ્સ માટેના વેસ્ટ દિલ્હીના માર્કેટમાં વેચી દેતો હતો.
બાદમાં રજીસ્ટર્ડ નંબર પરથી ફોન કરી ડિલિવરી આપનારને પોતે જે એડ્રેસ આપ્યું હોય તેની નજીકમાં આસપાસ ક્યાંક આવવા માટે ગાઇડ કરતો અને પછી ડિલિવરી લઇ લતો. ત્યારબાદ તે ફરી કોલ કરીને ફરિયાદ કરતો કે તેને ખાલી બોક્સ મળ્યું છે અને પછી તે માટે રિફંડ મેળવતો.
સિનિયર પોલીસ ઓફિસર જણાવ્યું કે, શિવમે આવા 166 ઓર્ડર્સ પ્લેસ કર્યા હતા. શિવમના ઘરમાંથી 19 મોબાઇલ ફોન્સ, 12 લાખ રૂપિયા રોકડા અને 40 બેન્કોની પાસબુક અને ચેક જપ્ત કરવામાં આવ્યા છે. બેંકમાં રાખેલા નાણા ઉપરાંત તેણે સલામતી માટે કોઇની પાસે રૂ.10 લાખ પણ મૂકી રાખ્યા હતા.
શિવમે શરૂઆતમાં આ વર્ષે એક આઇડિયા કરી બે ફોન ઓર્ડર કર્યા. અને તેણે રિફંડ માટે માંગણી કરી અને તેને મળી ગયું. આ પ્રયોગમાં સફળ થતા તે પછીના બે મહિના સુધી તેણે સેમસંગ, એપલ અને વનપ્લસ જેવા મોંઘા મોબાઈ ઓર્ડર કરીને લાખો રૂપિયા એમેઝોન પરથી પડાવ્યા.