બોલીવુડનો આ સુપરસ્ટાર રાજકારણમાં જોડાશે તેવી અફવા, સુપરસ્ટારે શું આપ્યો જવાબ ?
મુંબઇઃ રાજકારણમાં જોડાવાનો છે તેવી ચાલી રહેલી ચર્ચા પર બોલિવૂડ એક્ટર આમિર ખાને મૌન તોડ્યું છે. આમિર ખાને રાજકારણમાં જોડાવાની શક્યતાને નકારી કાઢી છે. તેણે જણાવ્યું હતું કે, મારા જેવા જે લોકો ક્રિએટીવ ફિલ્ડમાં કામ કરે છે તેમના માટે રાષ્ટ્રનું નિર્માણ અને સામાજિક માળખાને મજબૂત બનાવવું તે પ્રમુખ જવાબદારી છે.
વોટર મેનેજમેન્ટના વિસ્તરણ અંગેના સવાલ પર આમિરે કહ્યું કે, ફાઉન્ડેશન વિસ્તરણના બદલે ઉંડાણમાં જવાનો પ્રયાસ કરશે. હાલમાં 75 તાલુકાઓમાં ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. આમિરે કહ્યું કે, અમે સોઇલ હેલ્થ, ગ્રાસ લેન્ડ અને વૃક્ષ ઉગાડવા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પાની ફાઉન્ડેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ફડણવીસ, કોગ્રેસ ચીફ અશોક ચૌહાણ, વિપક્ષ નેતા રાધાક્રિષ્ણન પાટીલ, એનસીપી નેતા અજીત પવાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
પાની ફાઉન્ડેશન સત્યમેવ જયતે વોટર કપ નામે એક સ્પર્ધાનું આયોજન કરે છે જેમાં અનેક ગામડાઓ સારા બેસ્ટ વોટર મેનેજમેન્ટ માટે સ્પર્ધા થાય છે. આમિર ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેના સામાજિક કાર્ય માટે તેને રાજ્યસભાની ઓફર થાય તો તે રાજકારણમાં પ્રવેશ કરશે જેના જવાબમાં આમિર ખાને કહ્યું કે, મને લાગે છે કે હાલમાં હું ઘણુ કામ કરી રહ્યો છું અને આ કામ કરવા માટે રાજકારણમાં જવું કોઇ જરૂરી નથી. હું ક્રિએટીવ ફિલ્ડમાં કામ કરું છું અને આ ફિલ્ડમાં કામ કરતા લોકો માટે રાષ્ટ્રનું નિર્માણ અને સામાજિક માળખાને મજબૂત બનાવવું તે પ્રમુખ જવાબદારી છે.
પાની ફાઉન્ડેશન દ્ધારા વોટરકપ એવોર્ડ જાહેર કરવા માટે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ આમિર ખાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહારાષ્ટ્રના પૂણેમાં આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં અનેક રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. પાની ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ ફાઉન્ડેશન છે જેની સ્થાપના મહારાષ્ટ્રમાં દુષ્કાળ સામે લડવા માટે ટીવી સીરિઝ સત્યમેવ જયતેની ટીમે કરી હતી. સ્થાપકોમાં આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ પણ સામેલ છે.