2019 લોકસભા ચૂંટણી સુધી બીજેપીના અધ્યક્ષ રહેશે અમિત શાહ, પાર્ટીમાં નહીં થાય ચૂંટણી
પાર્ટીમાં સંગઠનની ચૂંટણી એક વર્ષ માટે ટાળવાનો નિર્ણય લેવમાં આવ્યો છે. ઉપરાંત 2019 લોકસભા ચૂંટણી અમિત શાહના નેતૃત્વમાં લડવાનો ફેંસલો પણ લેવામાં આવ્યો. એટલે કે અમિત શાહ જાન્યુઆરી 2019 બાદ પણ અધ્યક્ષ બની રહેશે. શાહનો અધ્યક્ષ તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થાય છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. જેમાં 2019 લોકસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં મજબૂતીથી ઉતરવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે. બેઠકમાં આજે સંગઠનને લઈ કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા અમિત શાહે પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આપણે 2014થી વધારે બહુમતની સાથે 2019 જીતવાની છે. આપણી પાસે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણી ઉપરાંત તેલંગાણા પર પણ વિશેષ ધ્યાન અપાશે.