‘અમરનાથ જતો એક યાત્રાળુ પણ મર્યો તો આ દેશમાંથી હજયાત્રા માટેનું એક પણ પ્લેન નહીં ઉડે એ યાદ રાખજો ’
મુંબઈઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલા અંગે શિવસેનાએ કેન્દ્રની ભાજપ સરકારને નિશાન બનાવીને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, હવે માત્ર નિંદા કરવાથી કંઈ નહીં થાય અને આતંકવાદીઓને પાઠ ભણાવવાની જરૂર છે.
આ હુમલામાં ઘાયલ શ્રદ્ધાળુઓના પરિવારજનો સાથે મહેબૂબા મુફ્તીએ મુલાકાત કરી હતી. જ્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરેક મૃતકો ગુજરાતના છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આતકી હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો છે અને કહ્યું છે કે ઘાયલોની ઉત્તમ સારવાર માટે ગુજરાત સરકાર લશ્કર અને કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
અમરનાથ યાત્રીકોની બસ બાલ્ટાલથી મીર બજાર તરફ જઈ રહી હતી તે દરમિયાન આતંકીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ કરેલા ફાયરિંગના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. પણ આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. હુમલામાં ત્રણ પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ જતા યાત્રીકોની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. છે. તમામ મૃતક ગુજરાતી હતા. હુમલામાં 13 શ્રધ્ધાળુઓ ઘાયલ થયા હતા. ગુજરાતની કુલ ત્રણ બસ હતી તેમાંની એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાઉતે કહ્યું કે, દેશમાં અત્યારે એ જ પ્રકારની સ્થિતી છે ને તેની સામે સરકારે આક્રમક વલણ અપનાવવાની જરૂર છે. ભાજપ સરકારની ટીકા કરતાં રાઉતે કહ્યું કે, મોદી સરકારે દાવો કરેલો કે નોટબંધી અને સર્જીકલ સ્ટ્રાઈકની અસર જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ પર પડશે પરંતુ એવું કઈ થયું નથી.
રાઉતે દાવો કર્યો હતો કે, એ વખતે બાલાસાહેબ ઠાકરેએ આતંકવાદીઓને ખુલ્લી ચીમકી આપી હતી કે, અમરનાથ યાત્રાળુઓ પર આતંકવાદીઓ હુમલા કરશે ને એક પણ શ્રધ્ધાળુનું મોત નિપજ્યું તો આ દેશમાંથી હજયાત્રીઓને લઈ જતું એક પણ પ્લેન નહીં ઉડે એ યાદ રાખજો.
રાઉતે એવો દાવો પણ કર્યો કે, શિવસેનાના સથાપક બાલાસાહેબ ઠાકરે જીવતા હતા ત્યારે 1996માં અમરનાથ યાત્રાને ખોરવી નાંખવાની ધમકી આતંકવાદીઓએ આપી હતી. એ વખતે બાલાસાહેબ ઠાકરેએ સામો હુંકાર કરતાં જ આતંકવાદીઓની હવા નિકળી ગઈ હતી.