મેરઠઃ BJPના ધારાસભ્ય સંગીત સોમના ઘર પર હુમલો, ફાયરિંગ બાદ બંગલામાં ફેંકવામાં આવ્યો હેન્ડગ્રેનેડ
મેરઠઃ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બીજેપી ધારાસભ્ય સંગીત સોમના બંગલા પર ગત રાતે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો અને હેન્ડગ્રેનેડ ફેંક્યો હતો. હેન્ડગ્રેનેડ ન ફાટવાના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગોળીબારીમાં બંગલાની બહાર રહેલો સિક્યુરિટી ગાર્ડ બચી ગયો. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. ઘટનાના થોડા સમય પહેલા જ સંગીત સોમ તેના બંગલા પર આવ્યા હતા.
સંગીત સોમે જણાવ્યું હતું કે, મને કોઇ ધમકી મળી નથી પરંતુ બે વર્ષ પહેલા એક ફોન આવ્યો હતો જેમાં ગ્રેનેડથી મારવાની ધમકી આપી હતી. અત્યારે સ્થળ ઉપર પોલીસ તપાસમાં જોડાઇ છે. ધારાસભ્ય વિધાનસભાના આવાસ ઉપર હુમલો થવાથી ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંગીત સોમ 2013ના મુઝફ્ફરનગર હિંચામાં ભારે ચર્ચામાં રહ્યા હતા.
મેરઠના એસએસપી જણાવ્યા પ્રમાણે સિક્યોરિટી ગાર્ડે જાણકારી આપી હતી કે રાત્રે 12.45 વાગે હુમલો થયો હતો. અમને ઘટના સ્થળેથી ગોળીઓના ખોખા મળ્યા છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઘટના સ્થળથી એક હેન્ડ ગ્રેનેડ પણ મળ્યો છે. જે કોઇ કારણોસર ફાટ્યો નથી. આ ઘટનામાં એકપણ વ્યક્તિ ઘાયલ થઇ નથી. ગાર્ડની કેબિન અને મેન ગેટને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું. અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ.
મેરઠની સરઘના વિધાનસભા સીટ પરથી બીજેપી ધારાસભ્ય સંગીત સોમનો બંગલો કેંટ વિસ્તારના માલરોડ પર આરએ લાઇનમાં છે. ઘટના આશરે 12.45 કલાકે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સંગીત સોમ તેમના કાફલા સાથે 12 વાગ્યાની આસપાસ ઘરે પરત ફર્યા હતા અને બંગલામાં આરામ કરતા હતા ત્યારે ગોળીબારરનો અવાજ સંભળાયો. તેમણે બહાર જઈને જોયું તો બંગલાના ગેટ પર ગોળીઓ વરસી રહી હતી.