મહારાષ્ટ્રઃ દહાણુમાં બોટ ઉંધી વળી, સેલ્ફી લેવાની ઘેલછા બની ચાર વિદ્યાર્થીઓના મોતનું કારણ

બોટ કેવી ડૂબી તે અંગે સ્થાનિક વહીવટીતંત્રએ કોઇ પુષ્ટી કરી નથી. સ્થાનિક લોકોએ કહ્યું કે, નાવમાં ક્ષમતા કરતા વધુ બાળકો સવાર હતા. જેને કારણે બોટનું બેલેન્સ બગડ્યુ હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકોએ લાઇફ જેકેટ પણ પહેર્યા નહોતા.
પાલઘરના જિલ્લાધિકારી પ્રશાંત નારનવારેએ જણાવ્યું કે, આ બોટ પર સ્કૂલના બાળકો સવાર હતા. બોટ ડૂબ્યાના અહેવાલ મળતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક માછીમારોની મદદથી બાળકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દહાણુઃ મહારાષ્ટ્રના દાણુમાં 40 સ્ટુડન્ટ ભરેલી બોટ દહાણુમાં ઉંધી વળી ગઈ હતી. જેના કારણે 4 બાળકોના મોત થયા હતા જ્યારે 32 વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતા. કે.એલ પૌંડા સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક કરવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટનાને નજરે જોનારાના કહેવા પ્રમાણે, કેટલાક વિદ્યાર્થીઓ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે એક બાજુએ વજન વધી જતા બોટે પલટી મારી હતી. જો કે, ચાર વિદ્યાર્થીઓની ભાળ હજુ મળી નથી. જેમની શોધખોળ ચાલી રહી છે.
દરિયામાં 2 નોટિકલ માઇલ સર્જાયેલી દુર્ઘટનામાં હાલ બચાવ કામગીરી ચાલુ છે. બચાવ કામગીરીમાં ડોરનિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ ઉતારવામાં આવ્યા છે.