પાકિસ્તાનને ધૂળ ચટાડનારા બ્રિગેડિયર કુલદીપ સિંહનું નિધન, તેમના પર બની હતી ફિલ્મ 'બોર્ડર'
ચંડીગઢ: લોંગેવાલા યુદ્ધના નાયક બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીનું શનિવારે મોહાલીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં નિઘન થયું છે. તેઓ 78 વર્ષના હતા. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મેજર રહેલા ચાંદપુરીએ રાજસ્થાનના લોંગેવાલાની પ્રસિદ્ધ લડાઈમાં માત્ર 120 જવાનો સાથે, પાકિસ્તાની ટેંકોના હુમલાનો જોરદાર સામનો કર્યો હતો અને તેમને ભગાડ્યા હતા.
ટેંકોની સામે વીરતાથી ઉભા રહી અને દુશ્મનોને પાછળ હટવા માટે મજબૂર કરવા માટે તેમને મહાવીર ચક્ર એમવીસીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિગેડિયર ચાંદપુરી અને સેનાના જવાનોની જીત પર બાદમાં બોલીવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડર બનાવવામાં આવી હતી, જેને 1997માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સની દેઓલે તેમની ભૂમિકા નિભાવી હતી.
બ્રિગેડિયર ચાંદપુરીનો જન્મ બારતના પંજાબના મોંટાગોમરીમાં 22 નવેમ્બર 1940ના એક ગુર્જર શિખ પરિવારમાં થયો હતો. તેમના જન્મ બાદ તેમનો પરિવાર તેમને લઈ ચાંદપુર રૂડકી આવી ગયો હતો. 1962માં તેમણે ઈન્ડિયન આર્મી જોઈન કરી હતી. તેમણે 1965ના યુદ્ધમાં ભાગ લીધો હતો. લોંગેવાલામાં જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે તેઓ ત્યાં મેજરના પદ પર હતા. પોતાની નિવૃતિ દરમિયાન તેઓ બ્રિગેડિયરના પદ પર હતા.