આર્થિક ધોરણે જ આપવી હોય તો અનામત મુસ્લિમોને પણ મળે, જાણો ક્યા રાષ્ટ્રીય નેતાએ કરી માગ
નવી દિલ્હીઃ બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ એસસી/એટી બિલમાં સંશોધનનું સ્વાગત કરતાં એક નવો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આર્થિક આધારે લઘુમતીઓને અનામત આપવાની માગનું સમર્થન કરતાં કહ્યું કે, ગરીબ મુસ્લિમોને માટે પણ અનામત વ્યવસ્થા હોવી જોઈએ.
માયાવતીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકાર સવર્ણ ગરીબ લોકોને બંધારણમાં સંશોધન દ્વારા અનામત આપવા માટે કોઈ નિર્ણય કરે છે તો બીએસપી સૌથી પહેલા તેનું સમર્થન કરશે. સાથે જ માયાવતીએ કહ્યું કે, મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતી લોકોમાં પણ ગરીબી છે. એવામાં જો કેન્દ્ર સરકાર સવર્ણો માટે કોઈ નિર્ણય લે છે તો મુસ્લિમો અને અન્ય ધાર્મિક લઘુમતી માટે પણ અનામતની વ્યવસ્થા કરવી જોઈએ.
લોકસભામાંથી પસાર એસસી/એસટી સંશોધન બિલનું સ્વાગત કરતાં માયાવતીએ રાજ્યસભામાં આ બિલ પસાર થવાની ધારણા વ્યક્ત કરી છે. જોકે, તેમણે એ પણ કહ્યું કે, આ દરમિયાન દલિતોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું કે, દલિતોએ જે ભારત બંધની જાહેરાત કરી હતી આ તેની અસર છે. માયાવતીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને પણ તેનો શ્રેય આપ્યો.
માયાવતીએ કહ્યું કે, અમે 2 એપ્રિલના રોજ બોલાવેલ ભારત બંધની અસરને લીધે આ બિલ આવ્યું છે, જેમાં બીએસપી કાર્યકર્તાઓની સાથે દેશના લોકોએ પણ ભાગ લીધો અને કેન્દ્ર સરકારને મજબૂર કરી. કેન્દ્ર સરકારમાં શામેલ દલિત નેતાઓની ટીકા કરતાં તેમણે કહ્યું કે, જ્યારે 2 એપ્રિલનું આંદોલન કર્યું હતું ત્યારે કેન્દ્ર સરકારના બધા દલિત અને આદિવાસી પ્રધાને મૌન સેવ્યું હતું.