પેટા ચૂંટણી: હરિયાણાની ઝિંદ બેઠક પર ભાજપની જીત, રાજસ્થાનની રામગઢ બેઠક પર કૉંગ્રેસનો વિજય
નવી દિલ્હી: હરિયાણાની ઝિંદ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપ ઉમેદવાર કૃષ્ણ મિડ્ઢાએ જીત મેળવી છે. તેમણે પોતાના હરીફ ઉમેદવાર જનનાયક જનતા પાર્ટીના દિગ્વિજય ચૌટાલાને 12395 વોટથી માત આપી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા સુરજેવાલાએ પેટાચૂંટણીમાં મોટો ઝાટકો લાગ્યો છે. તેઓ ત્રીજા નંબર પર રહ્યા હતા.
ઝિંદ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં સાતમા રાઉંડની ગણતરી બાદ મતદાન ગણતરી કેન્દ્ર બહાર વિરોધ પક્ષોના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ મતગણતરીમાં ખોટું થયું હોવાનો આરોપ લગાવતા હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. સ્થિતિને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
રાજસ્થાન પેટા ચૂંટણીમાં જીત સાથે સત્તારૂઢ કૉંગ્રેસ પાસે રાજસ્થાનમાં 100 ધારાસભ્યો થયા છે. કૉંગ્રેસના ઉમેદવાર શફિયા જુબૈરને કુલ 83311 મત મળ્યા હતા. તેમણે ભાજપના સુખવંત સિંહને 12228 મતે હાર આપી છે. જ્યારે બસપાના ઉમેદવાર 24 856 મત સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા.