આજે બપોર પછી વિશ્વભરમાં હિન્દુઓનાં મંદિરોના દરવાજા થઈ જશે બંધ, જાણો શું છે કારણ?
અમદાવાદઃ આજે શુક્રવાર ને 27મી જુલાઇ અષાઢ સુદ પૂનમને ગુરૂપૂર્ણિમા છે. આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ગુરૂપૂર્ણિમાને ગ્રહણ નડશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને લગતી ધાર્મિક માન્યતાઓનું ચુસ્ત રીતે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલાં લોકો દ્વારા પાલન કરાશે.
ચંદ્રગ્રહણ પછી તમામ હિન્દુ મંદિરોને ધોઈને પવિત્ર કરવામાં આવશે અને ધાર્મિક વિધી કરવામાં આવશે કે જેથી ગ્રહણની ખરાબ અસરોને નિવારી શકાય. આ માટે શનિવારે દેશભરનાં મંદિરોમાં વહેલી સવારે ખાસ પૂજા કરાશે અને ધાર્મિક વિધી પણ કરાશે.
ચંદ્રગ્રહણ રાત્રે 11.30 કલાકે શરૂ થવાનું છે તેથી તેના 9 કલાક પહેલાં એટલે કે શુક્રવારે બપોરે 2.30 કલાકે વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ થશે. આ ગ્રહણ પૂરું થયા બાદ એટલે કે શનિવારે સવારે 4 વાગ્યા પછી મંદિરના દરવાજા ખૂલશે. ગ્રહણની માઠી સારી અસરો ગ્રહણકાળના 1 મહિના સુધી દેખાય છે તેવી માન્યતા છે.
આ ચંદ્રગ્રહણની સૌથી મોટી અસર એ પડશે કે, આજ બપોર પછી વિશ્વભરમાં હિન્દુ મંદિરો બંધ કરી દેવાશે. હિન્દુ ધર્મના મંદિરો ગ્રહણના સ્પર્શથી અપવિત્ર ના થાય એટલા માટે ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં હિન્દુ મંદિરોના દરવાજા બંધ કરી દેવાશે.