દેશના આ ભૂતપૂર્વ વડાપ્રધાને પાટીદારોને કઈ રીતે OBC અનામત આપી શકાય તેની ફોર્મ્યુલા મોદીને સૂચવી, જાણો વિગત
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફી સહિતના પ્રશ્ને નેતા આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે હવે તેના સમર્થનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડા ખુલ્લેઆમ બહાર આવ્યા છે.
દેવ ગૌડાએ નરેન્દ્ર મોદીને સૂચવ્યું છે કે, તમે પણ પાટીદાર અનામત આંદોલન માટે બંધારણીય રીતે કમિશનની રચના કરો. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મધ્યસ્થી બની કેન્દ્ર સાથે વાટાઘાટો કરવી જોઈએ અને પાટીદારોને અનામતનો લાભ અપાવવો જોઈએ.
દેવ ગૌડાએ પત્રમાં જણાવ્યું છે કે, મારા વડાપ્રધાન તરીકેના કાર્યકાળ વખતે રાજસ્થાનમાં જાટ સમાજ દ્વારા અનામતની માંગ ઉઠી હતી. જે તે સમયે જાટ સમાજને અન્ય પછાત વર્ગ (OBC)માં સમાવેશ કરવા માટે આર્થિક પછાત પરિવારોના સર્વે માટે કમિશનની રચના કરી હતી.
અન્ય પછાત વર્ગ (OBC) નેશનલ કમિશન આ સર્વેના આધારે રાજસ્થાનના જાટ સમાજને સેન્ટ્રલ અન્ય પછાત વર્ગ (OBC) લિસ્ટમાં સમાવવા તૈયાર થયું હતું. આ રીતે મારી સરકારે જાટ સમાજની અનામતની માંગ પૂરી કરી હતી અને તેમને અનામતનો લાભ આપ્યો હતો.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાએ હાર્દિક પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પાટીદાર સમાજના પ્રશ્નો વિશે ચર્ચા કરવા પોતે મધ્યસ્થી થવા તૈયાર હોવાનું પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત તેમણે પાટીદારોને અનામત આપવાની ફોર્મ્યુલા પણ સૂચવી છે.