વર્ષના પહેલા દિવસે દિલ્હી-NCRમાં ઠંડીનો કેર, 8 ડિગ્રી સુધી ઘટ્યું તાપમાન

નવી દિલ્હીઃ વર્ષ બદલાવવાની સાથે સાથે દિલ્હી-એનસીઆરમાં સિઝને પણ દિશા બદલી છે. શહેરમાં સિઝને નવા વર્ષનું સ્વાગત ભારે ઠંડી સાથે કર્યું. રાજધાનીમાં મોડીરાત્રે ઠંડીનુ એકાએક મોજુ ફરી વળ્યું જેના કારણે જનજીવન અને ટ્રાફિક પ્રભાવિત થયો હતો. શહેરનો પારો ઘટીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જેના કારણે દિલ્હીમાં 56 ટ્રેનો લેટ થઇ જ્યારે 15થી વધુ ટ્રેનોને રદ્દ કરવી પડી હતી.
ખરાબ હવામાનને કારણે શહેરમાં ટ્રાફિક ખોરવાયો હતો. વિઝિબિલિટી એકદમ ઓછી થઇ ગઇ, દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટની 50 મીટર સુધી આવવાના કારણે 200થી વધુ ફ્લાઇટ્સની ઉડાનોમાં અસર પહોંચી હતી. આમાં કેટલીક ફ્લાઇટ્સ લેટ થઇ તો કેટલીક રદ્દ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, દિલ્હી એરપોર્ટ પરથી વિમાનોની ઉડાન માટે 125 મીટર વિઝિબિલિટીની જરૂર હોય છે.
મોસમના બદલાતા મિજાજની અસર તાપમાન પર સ્પષ્ટ જોવા મળી, દિલ્હીનું તાપમાન ઘટીને 8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જોકે, હવામાન ખાતાએ ચેતાવણી આપતા કહ્યું કે, આગામી દિવસોમાં તાપમાન હજુ ઘટી શકે છે. હવામાન વિભાગ અનુસાર, પૂર્વીય ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, વેસ્ટ યુપી, નોર્થ બંગાળ, સિક્કિમમાં ઠંડી વધી શકે છે. પંજાબ, વેસ્ટ હરિયાણા, નોર્થ રાજસ્થાન, ઇસ્ટ યુપી અને બિહારમાં શીત લહેર ફરી વળી શકે છે. અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભારે વરસાદ પડવાની પણ પુરેપુરી શક્યતા છે.