તહેવારો પહેલા મોંઘવારીનો ઝટકો, AC-ફ્રિજ-વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ થઈ મોંઘી
સરકારે આ પગલુ વધતા જતા કરંટ એકાઉન્ટ ડેફિસિએટની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ભર્યું છે. ગત નાણાંકીય વર્ષ 2017-18માં જે 19 વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે, તેનાથી દેશમાં વાર્ષિક લગભગ 86 હજાર કરોડ રૂપિયાની આયાત થાય છે. સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી આ વસ્તુઓની આયાતમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડાના કારણે તેનો ખર્ચ પણ વધી રહ્યો છે.
આ ઉપરાંત વિમાન ફ્યૂલ(એટીએફ) પર પણ 5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાડી છે. અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ નહતો લાગતો. જેને લઈને હવે એરલાઈન્સનો ઓપરેટિંગ ખર્ચ વધશે તેની અસર સીધી હવાઈ મુસાફરીના ભાડા પર જોવા મળી શકે છે.
નવી દિલ્હી: મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો પર ફરી મોંઘવારીની માર પડવાનો છે. રૂપિયાની ગગડતી કિંમતને ધ્યાનમાં લેતા સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે 19 લક્ઝરી આઈટમ્સ પર આયાત ટેક્સમાં વધારો કર્યો છે. બહારથી આવતા એસી, ફ્રિજ, વોશિંગ મશીન અને વિમાન ઇંધણ ગુરુવારથી મોંઘા થઈ જશે. 19 આઈટમ્સ પર બેસિઝ કસ્ટમ ડ્યૂટીના નવા દર આજે અડધી રાતથી લાગુ થઈ જશે.
સરકારે જે વસ્તુઓમાં કસ્ટમ ડ્યૂટીનો વધારો કર્યો છે, તેમાં ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, એસી, સ્પીકર, રેડિયલ કાર ટાયર, કિચન અને ટેબલવેયર, કેટલીક પ્લાસ્ટિકની વસ્તુઓ અને સૂટકેસ, જ્વેલરી સહિત અનેક ઘરેલુ ઉપયોગી સામાન છે. એટલે કે તમામ 19 વસ્તુઓની કિંમતો ગુરુવારથી વધી જશે. સરકારે આ ઉત્પાદો પર જે આયાત ટેક્સ વધાર્યો છે તેના પ્રમાણે અનેક વસ્તુઓ પર ડ્યૂટી 10 ટકા થી વધારી 20 ટકા કરવામાં આવી છે.
વોશિંગ મશીન, રેફિઝરેટર્સ, એસીની આયાત પર બેઝિક કસ્ટમ ટ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. તેવી જ રીતે એસી, ફ્રીઝના કંપ્રેસર પર ઈંપોર્ટ ડ્યુટીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સોના અને ચાંદીમાંથી બનેલી ઈમ્પોર્ટ જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે આર્ટીફિશિયલ ડાયમંડ્સ પર કસ્ટમ ડ્યૂટી 5 ટકાથી વધારીને 7.50 ટકા કરી દેવામાં આવી છે.
સ્નાનઘરના સામાન, પેકિંગ સામગ્રી, ઓફિસ સ્ટેશનરીના સામાન, બંગડી ,પ્લાસ્ટિક કિચનવેર, ટ્રાવેલ બેગ, સુટકેશ પર કસ્ટમ ટ્યૂટી વધારીને 15 ટકા કરવામાં આવી છે. સ્પીકર્સ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા, પગરખા પર કસ્ટમ ડ્યૂટી 20 ટકાથી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે.