રૂપાણીએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અંગે શું કહ્યું, જાણો વિગત
સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. દરરોજ 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે. તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત મુજબ બનશે.
રૂપાણીએ ઉત્તરપ્રદેશ સરકાર સહિત અન્ય રાજ્યોને આ પ્રકારના ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી. સરદાર પટેલની વિરાટ પ્રતિભાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે.
લખનઉઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનઉમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે મુલાકાત કરી હતી. તેમને આગામી 31 ઓક્ટોબરે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે.
મુખ્યમંત્રી રૂપાણીએ યોગી આદિત્યનાથને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસ્વીર, કોફી, ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. સીએમ રૂપાણીએ એકતા સંવાદમાં કહ્યું કે સરદાર પટેલ ન હોત તો દેશનો નક્શો જૂદો હોત.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ બન્યું છે. સુરતમાં તમને મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો શાન, ગર્વ અને સુરક્ષા સાથે રહીને ત્યાંથી આજીવિકા મેળવે છે. અને ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે. ઉત્તર પ્રદેશની જનતાએ સરદાર સાહેબની મૂર્તિના નિર્માણ માટે લોખંડ, માટી અને પાણી ઉપલબ્ધ કરાવ્યું હતું. આ માટે તમામને આમંત્રણ આપવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં આવ્યા છે.
સીએમ રૂપાણીએ લખનઉમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ગુજરાતમાં હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ પુરવાર થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિશે પગલા ભરે. ગુજરાતમાં રહેતા બિનગુજરાતીઓની સલામતી અને સુરક્ષા માટે અમે પૂરતા પગલાં લીધા છે. ભડકાઉ ભાષણ આપનારા ધારાસભ્ય સામે પણ અમે પગલાં લીધા છે અને આ કેસમાં સંકળાયેલા લોકોની અમે ધરપકડ કરી છે.