મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો, સમગ્ર મુંબઈમાં થયું પાણી જ પાણી, વરસાદથી થયા આવા હાલ
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કોંકણ અને તેની આસપાસના વિસ્તારો ઉપર એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને બીજું સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર કોંકણથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર છવાયેલ છે. માત્ર દક્ષિણ ગુજરાત, કોંકણ, અને ગોવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.
કેટલાંક એક્સપ્રેસ-વે પર પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. આ ઉપરાંત હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી છે. સતત વરસાદના લીધે મુંબઈ એરપોર્ટના મેન રન-વેથી ફ્લાઈટ ઓપરેશન્સ રોકવું પડ્યું હતું. આ દરમિયાન અંદાજે 30 મીનિટ સુધી વિમાનોની અવર-જવરને અસર થઈ હતી.
ભારે વરસાદના કારણે તમામ લોકલ ટ્રેન 15-20 મીનિટ મોડી ચાલી રહી છે. સેન્ટ્રલ રેલવેની તમામ ત્રણ લાઈન- મેન, હાર્બર અને ટ્રાન્સ હાર્બર પર લોકલ ટ્રેનો 5થી 7 મિનિટ મોડી ચાલી રહી છે. વેસ્ટર્ન લાઈન પર બોરીવલી અને કાંદીવલીની વચ્ચે ટેક્નિકી ખામીને કારણે લોકલ ટ્રેન લેટ ચાલી રહી છે. થાણે અને ભાયકુલા સ્ટેશનોની વચ્ચ અપ અને ડાઉન લાઇન પર લોકલ ટ્રેન 15-20 મિનિટ મોડી ચાલી રહી છે.
મુંબઈમાં ભારે વરસાદ પડતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના દાવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ચેમ્બુર ઇસ્ટ વિસ્તારની પોસ્ટલ કોલોનીમાં લોકોના હાલ બેહાલ છે. ત્યાં કોલોનીમાં વરસાદનું પાણી ઘૂસ્યા બાદ એક કાર પાણીમાં ડૂબતી નજર આવી છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાતા તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
હવામાન વિભાગના મતે પૂર્વ પરાવિસ્તારમાં 122 મિલીમીટર અને પશ્ચિમી પરાવિસ્તારમાં 141 મિલીમીટર વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન મુંબઈમાં 96 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 5.30 વાગ્યે કોલાબામાં 90 મિલીમીટર અને સાંતાક્રૂઝમાં 195 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે મલાડ વેસ્ટમાં 110 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ઘણી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
શનિવારના રોજ શરૂ થયેલ વરસાદ રવિવાર અને ફરી સોમવારે સવારે પણ ચાલુ થઈ ગયો છે. ધારાવી અને સાયન વિસ્તારોમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ધારાવી, સાયન, બાંદ્રા, કુર્લા અને ચેમ્બુર સહિતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા છે. મેટ્રો સિનેમાની પાસે એમજી રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લોકો પર એક ઝાડ પડ્યું હતું જેના કારણે બેનાં મોત અને પાંચ ઘાયલ થયા છે.
દક્ષિણ-પશ્ચિમ મોનસુને ગુજરાતમાં પણ દસ્તક દઈ દીધી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે. ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદને જોડતા એક્સપ્રેસ-વે પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. તેમજ ભારે વરસાદના લીધે રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.
મુંબઈ: દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ દસ્તક દેતા મુંબઈ સહિત દેશના કેટલાંક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઇ ચૂક્યું છે. મુંબઈની સાથો સાથ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શનિવારના રોજ શરૂ થયેલ વરસાદથી મુંબઈ શહેરના કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની અસર મુંબઈની લોકલ ટ્રેન સેવા પર પણ પડી છે.