PICS: વરસાદથી બેહાલ મુંબઈ, 12 કલાકમાં 111mm ખાબક્યો, ચાર ટ્રેનો રદ
મુંબઈ: મુંબઈમાં સબઅર્બ વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શાળા અને ઓફિસ જનારાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી પશ્ચિમ રેલવેએ ચાર ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગની જાણકારી અનુસાર સાંતાક્રૂઝમાં મંગળવાર સવાર 8થી સાંજના 8 સુધીમાં 111.2 મીમી. વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ, જયપુર-બાંદ્રા એક્સપ્રેસ, અવંતિકા એક્સપ્રેસ, દુરાંતો એક્સપ્રેસ એક કલાક મોડી ચાલશે.
મુંબઈના હવામાન ખાતા અનુસાર મંગળવારે સવારે 8થી સાંજના 8 સુધીમાં સૌથી ઓછો કોલાબામાં 25 મીમી, સાંતાક્રૂઝમાં સૌથી વધુ 111.2 મીમી વરસાદ નોઁધાયો છે.
મુંબઈમાં દાદર, માટુંગા, સાયન, જોગેશ્વરી, બાંદ્રા, બોરીવલી, ઠાણે, ડોંબીવલી અને કલ્યાણના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નવી મુંબઈ, પનવેલ અને ઉરણ વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. મંગળવારથી શરૂ થયેલો વરસાદ બુધવાર સવારે પણ ચાલુ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ થઈ રહી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર પણ લાંબો જામ સર્જાયો છે.
વરસાદની સૌથી વધુ અસર પશ્ચિમ રેલવે પર પડી છે. રેલ ટ્રેક પર પાણી ફરી વળ્યુ છે. મુંબઈ સીએસટીથી અંધેરી સ્ટેશન વચ્ચે ચાલતી લગભગ દરેક લોકલ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ છે. મુંબઈથી ગુજરાત જતી લગભગ દરેક ટ્રેન મોડી છે. પાલઘર પાસે ટેક્નિકલ ખામીને કારણે પશ્ચિમ રેલવેએ ચાર ટ્રેનો રદ કરી છે.