રેલવેની આ કાર્યવાહીથી 13,000 કર્મચારીઓ બનશે ‘બેકાર’, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા બિનસત્તાવાર રીતે લાંબા સમયથી ગેરહાજર 13,000 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઉચ્ચ અધિકારીઓને રેલવેમાં લાંબા સમયથી રજા પર રહેલા કર્મચારીઓ સામે પગલાં ભરવાનો આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉપરોક્ત લિસ્ટમાં સામેલ તમામ કર્મચારીઓની ઓળખ કરી તેને હટાવા માટે રેલવેએ તમામ અધિકારીઓ અને સુપરવાઇઝર્સને આદેશ આપ્યા છે. રેલેવના નિવેદન મુજબ સંગઠનનું પ્રદર્શન સુધારવા અને મહેનતું કર્મચારીઓનું મનોબળ વધારવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી તેનો જ એક ભાગ છે.
તપાસ દરમિયાન રેલવેના 13 લાખ કર્મચારીઓમાંથી 13,000 લાંબા સમયથી ગેરહાજર જોવા મળ્યા હતા. રેલવે દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું કે, રેલવેના નિયમો મુજબ આવા લોકોને નોકરીમાંથી દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.