કેજરીવાલ સરકારના મંત્રી કૈલાશ ગહલોતના ઘરે ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, AAPએ ગણાવ્યો રાજકીય એજન્ડા
નવી દિલ્હીઃ દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતના ઘરે બુધવારે સવારે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આઈટી રિટર્ન્સને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાળ્યું છે. આમ આદમી પાર્ટીએ આ દરોડાને રાજકીય એજન્ડા ગણાવ્યો છે. આમ આદમી પાર્ટીએ દરોડા બાદ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.
ઈન્કમ ટેક્સ વિભાગે ગહલોતના વસંતકુંજ સ્થિત ઘર સહિત 16 જગ્યાએ દરોડા પાડ્યા છે. કૈલાશ ગહલોત નઝફગઢથી ધારાસભ્ય છે અને મે 2017માં દિલ્હીના સીએમ કેજરીવાલે તેમને પરિવહન મંત્રી બનાવ્યા હતા.
કૈલાશ ગહલોતનો આ પહેલા પણ વિવાદોમાં રહ્યા છે. તેમના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો ચાલતો હતો, જેમાં ચૂંટણી પંચે એફઆઈઆર દાખલ કરી હતી. જોકે બાદમાં કોર્ટમાંથી રાહત મળી હતી. ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો ચાલતો હોય તેવા 20 ધારાસભ્યોમાં પણ તેમનો સમાવેશ થતો હતો. આ મામલે પણ કોર્ટમાંથી રાહત મળી ગઈ હતી.