PM મોદીનો ફોટો પરમિશન વગર ઉપયોગ કરવા બદલ જીયોને દંડ, જાણો કેટલો થયો
ગુરુવારે સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જીયોએ પ્રધાનમંત્રીની તસ્વીરનો ઉપયોગ કરવા માટે પીએમઓ પાસેથી કોઈ મંજૂરી લીધી નહોતી. રાજ્યવર્ધને આ વિશે જણાવ્યું કે સરકારને આ વિશે ખબર હતી કે રિલાંયસે પ્રધાનમંત્રીની તસ્વીરનો ઉપયોગ કર્યો છે.
નવી દિલ્લી: રિલાયંસ જીયો પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની તસ્વીરને મંજૂરી આપ્યા વગર જાહેરાતમાં ઉપયોગ કરવા બદલ 500 રૂપિયાનો દંડ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે, જીયોએ પોતાના પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક જાહેરાતોમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની તસ્વીરનો ઉપયોગ કર્યો હતો. જેના લીધે ઘણી નિંદા અને વિરોધ થયો હતો. જો કે, આ મુદ્દાને લઈને હાલ જીયો તરફથી કોઈ પણ ટિપ્પણી સામે આવી નથી.
આ મુદ્દે વિપક્ષ અને સાથી પક્ષો જોરદાર વિરોધ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નીરજ શેખરે રિલાયંસ જીયોમાં પ્રધાનમંત્રીની જાહેરાતનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સંસદમાં પેટીએમની જાહેરાતમાં પણ પ્રધાનમંત્રીની તસ્વીરનો ઉપયોગ કરવા બદલ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ વિશે વિપક્ષનું કહેવું હતું કે, શું બન્ને કંપનીઓ વિરુદ્ધ વગર પરમિશને પ્રધાનમંત્રીની તસ્વીરનો ઉપયોગ કરવા બદલ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. જેના પર રાજ્યવર્ધન સિંહ રાઠોડે યોગ્ય કાર્યવાહીનો ભરોસો અપાવ્યો હતો.