કરુણાનિધિના રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, અંતિમ યાત્રામાં લાખો સમર્થકો જોડાયા
ચેન્નઈઃ દક્ષિણ ભારતના દિગ્ગજ નેતા એમ કરુણાનિધિને રાષ્ટ્રીય સન્માન સાથે તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી અને તેમના ગુરુ રહેલા અન્ના દુરેની સમાધિની બાજુમાં દફનાવવામાં આવ્યા છે. કરુણાનિધિની અંતિમ યાત્રામાં લાખો સમર્થકો જોડાયા હતા. મરિના બીચ પર કરૂણાનિધિની સમાધિ બનાવવામાં આવી હતી. હતો. મંગળવારે સાંજે 94 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ કરુણાનિધિનું કાવેરી હોસ્પિટલમાં અવસાન થયું હતું. કરુણાનિધિના પરિવારે મરીના બીચ પર તેમને શ્રંદ્ધાજલિ આપી
કરુણાનિધિના નિધનથી સમગ્ર તમિલનાડુમાં શોકનો માહોલ છે. તેમના ચાહકો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ શરાબની દુકાનો અને સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત સ્કૂલ-કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે રાજ્ય સરકારે મરીના બીચ પર સમાધિ બનાવવાને લઈને વિરોધ કર્યો હતો જેને મદ્રાસ હાઇકોર્ટે વિરોધને ફગાવીને કરુણાનિધિની અંત્યેષ્ટિ મરીના બીચ પર કરવા મંજૂરી આપી હતી. DMK દ્વારા દિવંગત સીએમના અંતિમ સંસ્કાર મરીના બીચ પર કરવા અરજી દાખલ કરી હતી. પરંતુ રાજ્ય સરકારે અરજીનો વિરોધ કરી પ્રોટોકોલનો તર્ક આપ્યો હતો. રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, પૂર્વ સીએમની અંતિમવિધ મરીના બીચ પર ન કરી શકાય પરંતુ હાઇકોર્ટે તે વાત માની નહોતી.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, એનસીપી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ નેતા પ્રફુલ પટેલે કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સીએમ એમજી રામચંદ્રન અને જે જયલલિતાને મરીના બીચ પર જ દફનાવવામાં આવ્યા હતા. એ બંને કરુણાનિધિના કટ્ટર વિરોધી હતા. બીજી તરફ, કાવેરી હોસ્પિટલની બહાર કરુણાનિધિના સમર્થકોએ ભારે નારાબાજી કરી. આ દરમિયાન ડીએમકેની માગના સમર્થનમાં કોંગ્રેસ પણ ઉતરી આવી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, તમિળનાડુ સરકારે આવા પ્રસંગે રાજકારણ ન રમવું જોઈએ.