પેટ્રૉલ-ડિઝલના ભાવ વધારાથી ગુસ્સે થયા કેજરીવાલ, કહ્યું- 'દેશમાં PM તો ભણેલો-ગણેલો જ હોવો જોઇએ'
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) ના સંયોજકે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જબરદસ્ત ટિપ્પણી કરી છે. કેજરીવાલે પીએમ મોદી પર એક ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો.
ગયા અઠવાડિયે જ્યારે કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે સીબીઆઇએ દરોડા પાડ્યા તો ગુસ્સે ભરાયેલી આમ આદમી પાર્ટીએ પુછ્યું હતું કે વડાપ્રધાન મોદી ઇચ્છેછે શું?. કેજરીવાલ અને આપના અન્ય સભ્યો ભાજપ અને પીએમ મોદી પર અનેકવાર કટાક્ષવાર કરતાં રહે છે.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (આપ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવતી રહી છે. વળી મનમોહન સિંહની વાત કરીએ તો તે મોટા અર્થશાસ્ત્રીમાં સામેલ છે. વૈશ્વિક આર્થિક મંદીના સમયે દેશની અર્થવ્યવસ્થા માટે તેમને યાદ કરવામાં આવે છે. જોકે, આપ પૂર્વ મનમોહન સિંહ સરકાર વિરુદ્ધ આંદોલન કરીને જ ઉભરી હતી. તેમને લોકપાલ અને ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસને બેકફૂટ પર લાવી દીધી હતી. તે આજે કેન્દ્ર અને દિલ્હીની સત્તામાંથી બહાર છે. હવે આપના કેજરીવાલના સૂર બદલાયા છે.
તેમને ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન તો ભણેલો-ગણેલો હોવો જોઇએ. અરવિંદ કેજરીવાલે ડૉલરની સરખામણીમાં રૂપિયો નીચે પડવાના સંબંધિત એક લેખને રજૂ કરતાં આ લખ્યું - ''લોકો ડૉ.મનમોહન સિંહ જેવા શિક્ષિત વડાપ્રધાનને મિસ કરી રહ્યાં છે. પીએમ તો ભણેલો-ગણેલો હોવો જોઇએ.'' કેજરીવાલે પેટ્રૉલ-ડિઝલના વધતા ભાવને લઇને મોદી સરકારને આડેહાથે લીધી હતી.
નોંધનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર બનવા અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના સત્તારૂઢ થયા બાદથી ખુબ તનાવ રહ્યો છે. કેજરીવાલ મોદી સરકાર પર કામ રોકવા, ધારાસભ્યોને ડરાવવા, ચૂંટણી પંચનો ખોટો ઉપયોગ કરવા જેવા ગંભીર આરોપ લગાવતા રહ્યાં છે.