હવે ટ્રાફિકના નિયમ તોડ્યા તો આપવો પડશે ભારે દંડ, મોટર વ્હીકલ બિલ લોકસભામાં પસાર
ગડકરીએ વાહનોની ચોરી રોકવા માટે અને બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ પર બ્રેક મારવા અંગે કહ્યું હતું કે એક ઈલેક્ટ્રોનિક રજિસ્ટર બનાવાશે, જે કાર્યરત થશે એટલે બોગસ લાઈસન્સ બનાવવા કે વાહનોની ચોરી બંધ થઈ જશે. તેમણે કહ્યું કે માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં મૃત્યુ થવાના કારણો પૈકી એક મહત્ત્વનું કારણ ખરાબ રોડ હોવાનું માલૂમ થયું છે આથી રોડની ડીપીઆર બનાવનારા અને રોડ નિર્માણ કરનારી કંપનીઓને પણ તેના માટે જવાબદાર ગણાવાશે. એટલું જ નહીં, આવી કંપનીને ભવિષ્યમાં બ્લેક લિસ્ટ પણ કરી શકાય છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ઘાયલ લોકોને મદદ કરનારા લોકની સાથે તેમને મદદ કરનારા ડોક્ટરોને પણ રક્ષણ અપાશે.
ઉપરાંત દારૂ પીને કાર ચલાવનારાએ હવે પાંચ ગણો વધારે દંડ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ ગુમા માટે બે હજાર રૂપિયા દંડ થતો હતો, જે હવે વધીને ૧૦ હજાર રૂપિયા થઈ ગયો છે. સુધારા સાથેના બિલમાં સગીર દ્વારા કાર ચલાવવા દરમિયાન દુર્ઘટના થશે તો કારના માલિકને ત્રણ વર્ષની જેલની સજા થશે અને દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિતને ૧૦ ગણું વળતર આપવું પડશે.
મોટર વ્હીકલ એક્ટ(સુધારા) બિલ ૨૦૧૬ને કેન્દ્રીય કેબિનેટે ૩૧ માર્ચના રોજ મંજૂરી આપી દીધી હતી. બિલ ગયા વર્ષે ઓગસ્ટમાં લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યારબાદ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ બિલ મોકલાયું હતું, જેના સૂચનોનું કેબિનેટે સમર્થન કર્યું હતું.
દરમિયાન રાજ્યોની સરહદોની ચેકપોસ્ટ પર ગેરકાયદે થતી વસૂલાત બંધ કરવા અને રોડ દુર્ઘટના માટે કોન્ટ્રેક્ટરોની જવાબદારી નક્કી કરવાના હેતુથી માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ઈ ગવર્નન્સ અપનાવવું પડશે.
ગડકરીએ મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૬ પરની ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે 'માર્ગ પરિવહન ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય. મને ખબર છે કે રાજ્યોની સરહદો પર ચેક પોસ્ટની સ્થિતિ સારી નથી. તેમાં સુધારો કરવા માટે અમે આ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર વસૂલાત અટકાવીશું.'
નવી દિલ્હીઃ સોમવારે મોટર વ્હિકલ એમેન્ડમેન્ટ બિલ 2016 લોકસભામાં પસાર થઈ ગયું. આ બિલ અંતર્ગત હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર ભારે દંડ આપવો પડશે. જ્યારે રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની મદદ કરનારને કાયદાકીય હેરાનગતીમાંથી મુક્તિ મળશે.
ગડકરીએ કહ્યું હતું કે માર્ગ પરિવહનના ક્ષેત્રમાં મોદી સરકાર મોટાપાયે ફેરફાર કરવા જઈ રહી છે અને તેના માટે ઈ ગવર્નન્સ અપનાવવામાં આવશે. આ મામલે તેમણે રાજસ્થાનના પરિવહન મંત્રી યુનુસખાનની અધ્યક્ષતામાં બનેલી રાજ્યોના પરિવહન મંત્રીઓની સમિતિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ઈ ગવર્નન્સ અપનાવવાની જવાબદારી રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવી છે અને તેમણે આ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
મંત્રીના જવાબ પછી ગૃહમાં વિપક્ષના સભ્યોના સુધારા નામંજૂર કરી દઈને બિલ ધ્વનિમતથી પસાર કરી દેવાયું હતું. બિલમાં થયેલી જોગવાઈ મુજબ દારૂ પીને કાર ચલાવનારાને હવે બે હજાર રૂપિયાને બદલે ૧૦ હજાર રૂપિયાનો દંડ થશે. આ ઉપરાંત બિલમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ, ટેક્સી એગ્રેગેટર્સ નિયમન અને માર્ગ સુરક્ષા સંબંધિત મહત્ત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તેમાં ચોક્કસ પ્રકારના રોડ દુર્ઘટનાના કિસ્સામાં તમામ લોકોને ફરજિયાત વીમા કવર ઉપલબ્ધ થશે.