MPના પન્નામાં મજૂરને મળ્યો કિંમતી હીરો, જોતજોતામાં બની ગયો કરોડપતિ, જાણો વિગતે
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં હીરાની ખાણ માટે જાણીતા પન્ના જિલ્લામાં મંગળારે એક મજૂરનું કિસ્મત અચાનક ખુલી ગયું હતું. તેને ખાણમાંથી 42.59 કેરેટનો અતિ કિંમતી હીરો મળ્યો હતો. જે આ વિસ્તારમાંથી મળેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને કિંમતી હીરો છે. આ હીરાની કિંમત 1.5 કરોડથી 2.5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
મોતીલાલ પ્રજાપતિએ કહ્યું કે, તેમન પરિવાર માટે આ ખુશીનો અવસર છે. આ રકમનો ઉપયોગ પરિવાર અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરશે. હરાજી બાદ મળનાર રકમ તમામ ભાગીદારોમાં સરખા હિસ્સે વહેંચી લેવામાં આવશે.
અધિકારીના કહેવા મુજબ મોતીલાલને મળેલા હીરાની હરાજી જાન્યુઆરીમાં કરવામાં આવશે. તેમાંથી મળનારી રકમમાંથી સરકારની રોયલ્ટી તથા જીએસટી કાપીને બાકીની રકમ મોતીલાલને આપવામાં આવશે.
પન્ના હીરા કાર્યાલયના અનુપમ સિંહના કહેવા મુજબ, જિલ્લામાં કૃષ્ણા કલ્યાણપુર ગામની નજીક ખાણ મજૂર મોતીલાલ પ્રજાપતિએ તેમના ચાર ભાગીદારો સાથે ચાર મહિના પહેલા એક ખાણ ભાડાપટ્ટા પર લીધી હતી. હીરો મળ્યા બાદ મોતીલાલ અને તેના સાથીએ હીરા અધિકારીના કાર્યાલય આવ્યા અને કિંમતી હીરો જમા કરાવી દીધો હતો.