મેડિકલના વિદ્યાર્થીએ ટ્રેનમાં કરાવી ડિલીવરી, વોટ્સએપ પર લીધી સિનીયર્સની સલાહ
24 વર્ષના મેડિકલ વિદ્યાર્થી વિપીન ખડસેએ અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં ડિલીવરી કરાવી હતી. તેણે પોતાના ફોન પર વોટ્સએપ ગ્રુપમાં સિનીયર્સ પાસેથી મદદ લઈને ડિલીવરી કરી હતી. એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિપીન ખડસેએ 24 વર્ષની એક મહિલાની મદદ કરી હતી. ચિત્રલેખા નામની આ મહિલાને ટ્રેનમાં લેબર શરૂ થયું હતું. જે પછી ટ્રેન ઉભી રાખવામાં આવી હતી. અને ટીસી ટ્રેનમાં કોઈ ડોક્ટર હોય તો મદદ લેવા માટે શોધી રહ્યા હતા. એ સમયે વિપીને મદદ કરી હતી. આ સમયે ટ્રેન નાગપુરથી 30 કિમી દૂર હતી.
વિપીને આ આખી ઘટનાની જાણકારી ફેસબુક પર આપી હતી અને તસવીરો શેર કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ ડિલીવરી ખૂબ મુશ્કેલ હતી કેમકે પહેલા બાળકના માથાને બદલે ખભો બહાર આવ્યો હતો. મેં આ ફોટો સિનીયર રેસિડંટ ડોક્ટરના ગ્રુપમાં મોકલ્યો હતો. જે પછી મને ડો. શીખા મલિક અને અન્ય મિત્રોએ મદદ કરી હતી. બાળકના બહાર આવી ગયા પછી લોહી વહેવાનું બંધ નહોતું થઈ રહ્યું પણ મારી પાસે કોટન રોલ હોવાથી પરિસ્થિતિ વણસી નહિ. અને ઠંડા પાણીની બોટલની મદદથી આ સ્ત્રાવ અટકાવી શકાયો. સાથે જ એક દાયણ પણ હતી જેમણે મારી મદદ કરી હતી. ડોક્ટર બન્યો અની જે ખુશી હતી તેનાથી હજાર ગણી વધુ ખુશી આજે મને થઈ છે. બાળક પણ શ્વાસ નહોતુ લેતું ત્યારે માઉથ ટુ માઉથ બ્રિથીંગ કરીને મદદ કરી હતી. મહિલાના પરિવારે ડિલીવરી પછી મને 101 રૂપિયા હાથમાં મૂક્યા હતા. મેં ડોક્ટર્સને મારી વોટ્સએપ ચેટ બતાવી હતી અને તેમણે પ્રશંસા કરી હતી.’ આ પછી નાગપુર સ્ટેશન પર રેલવે ડોક્ટર્સ અને એમ્બ્યુલંસ તૈયાર હતા અને મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.