છેલ્લા ત્રણ વર્ષમાં મોદી સરકારે પ્રિન્ટ મીડિયામાં વિજ્ઞાપન માટે ખર્ચ્યા આટલા કરોડ રૂપિયા, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
બીઓસી વિવિધ મંત્રાલયો તથા સંગઠનો તરફથી વિજ્ઞાપનો આપવા માટે સરકારની નોડલ એજન્સી છે.
નવી દિલ્હીઃ છેલ્લા ત્રણ વર્ષમાં અખબારો અને મેગેઝિનોમાં વિજ્ઞાપન આપવા માટે સરકારે 1,856.82 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યસભા સાંસદ ઋતબ્રત બેનર્જીએ પૂછેલા એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ગૃહમાં જણાવ્યું કે, લોકસંપર્ક અને સંચાર બ્યૂરો(બીઓસી)એ વિવિધ મંત્રાલયો તથા વિભાગો તરફથી પ્રિન્ટ મીડિયામાં વિવિધ અભિયાનો માટે આટલી રકમનો ખર્ચ કર્યો હતો.
વર્ષ 2015-16માં 20,111 વિજ્ઞાપન માટે 579.88 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે 2016-17માં 21,576 વિજ્ઞાપન માટે 628.04 કરોડ રૂપિયા અને 2017-18માં જાહેર કરવામાં આવેલી 11,798 વિજ્ઞાપન માટે 648.90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.