સીઝફાયર તોડવું પડ્યું ભારે, BSF-સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને માર્યા ઠાર
કાશ્મીરઃ પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘનના જવાબમાં બીએસએફ અને સેના તરફથી પાકિસ્તાનને જડબતોડ જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી બુધવારે સાંજે કુપવાડામાં થયેલા સીઝફાયર ઉલ્લંઘનની ઘટના બાદ બીએસએફની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈનિકોને ઠાર મારવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી આપતા કાશ્મીરમાં બીએસએફના આઇજી સોનાલી મિશ્રાએ સેના-બીએસએફની કાર્યવાહીની સ્પષ્ટતા કરી છે.
પાકિસ્તાની ફોજના ફાયરિંગ બાદ સેના-બીએસએફની સંયુક્ત કાર્યવાહી વિશે જણાવતા બીએસએફના આઇજી સોનાલી મિશ્રાએ કહ્યું, 'પાકિસ્તાન નથી ઇચ્છતું કે એલઓસી અને ભારતીય વિસ્તારોમાં શાંતિનો માહોલ બનેલો રહે. આ કારણે તેની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. પાકિસ્તાન તરફથી બુધવારે સીઝફાયર ઉલ્લંઘનની એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અમારા વિશ્વસનીય સુત્રો અનુસાર, પાકની નાપક હરકતોના જવાબમાં થયેલી બીએસએફ-સેનાની સંયુક્ત કાર્યવાહીમાં બે પાકિસ્તાની જવાનોને ઠાર માર્યા છે.'
નોંધનીય છે કે, એલઓસી પર અકડાયેલું પાકિસ્તાન સતત ભારતીય વિસ્તારોમાં ફાયરિંગ કરી સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બુધવાર સાંજે થયેલી કાર્યવાહી બાદ પણ પાકિસ્તાન તરફથી ગુરુવારે પણ બારામુલાના ઉડી સેક્ટરમાં ભારે ગોળીબાર કરવામાં આવી હતી.
પાકિસ્તાન તરફથી સવારે 7.30 વાગે જ નિયંત્રણ રેખાથી નજીક આવેલી ભારતીય પૉસ્ટને નિશાન બનાવાયું હતું, આ દરમિયાન પાકિસ્તાની રેન્જર્સના જવાનો દ્વારા કેટલાય રહેણાંક વિસ્તારોમાં મોર્ટાર નાંખ્યા હતા. અત્યાર સુધી આ ફાયરિંગમાં કોઇને પણ નુકશાન થવાના રિપોર્ટ નથી.